વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે ગુવાહાટીમાં રોડ-શો યોજાયો
રોડ-શોમાં ઔદ્યોગિક સહયોગ માટેની તકો પર ભાર મુકાયો. ગાંધીનગર, 20 નવેમ્બર (હિ.સ.) ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ઔદ્યોગિક તાકાત કેન્દ્રસ્થાને રહી હતી. રોડ-શોમાં સેમીકં
ગુવાહાટીમાં રોડ-શો યોજાયો


ગુવાહાટીમાં રોડ-શો યોજાયો


- રોડ-શોમાં ઔદ્યોગિક સહયોગ માટેની તકો પર ભાર મુકાયો.

ગાંધીનગર, 20 નવેમ્બર (હિ.સ.) ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની ઔદ્યોગિક તાકાત કેન્દ્રસ્થાને રહી હતી. રોડ-શોમાં સેમીકંડકટર, ઓઈલ અને ગેસ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ માટે નવી તકો શોધવા અગ્રણી ઉદ્યોગપતિઓ અને સરકારી પ્રતિનિધિઓ ભેગા થયા હતા.

રોડ શો પહેલાં, ગુજરાત સરકારના આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલ તેમજ ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ, IAS અને ગુજરાતના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ગુવાહાટી અને આસામના અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.

રોડ શોમાં ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ IAS દ્વારા VGGS 2027 પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને અન્ય ઉદ્યોગમાં વિકાસની તક દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં વ્યવસાયિક તકો અને ઔદ્યોગિક વિકાસ અંગેના પોતાના પ્રેક્ટિકલ અનુભવો અને મંતવ્યો પણ રજૂ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ વિકાસની યાત્રામાં આગેવાની લઈ દેશના વિકાસમાં અગ્રેસર રહીને સહભાગી બની રહ્યું છે.

સભાને સંબોધતા ગુજરાતના આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલે બંને રાજ્યો વચ્ચે મજબૂત ઔદ્યોગિક સહકારની સંભાવનાઓ પર ભાર મુકયો હતો. નરેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “ આસામે ઓઇલ અને ગેસ તથા સર્વિસ સેક્ટર ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ બનાવી છે.

જ્યારે ગુજરાત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટી ક્ષેત્રે પોતાની મજબૂત ક્ષમતાઓ ધરાવે છે. મને દ્રઢ વિશ્વાસ છે કે આપણા ઉદ્યોગો, સાહસિકો અને યુવા પ્રતિભાઓને સાથે લાવીને, આપણે નવીનતા, રોજગારી અને સહિયારી સમૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ, આપણા સામુહિક પ્રયાસો 'વિકસિત ભારત @2047' તરફની યાત્રાને વધુ મજબૂત બનાવશે,” .

ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17% અને માલસામાન નિકાસમાં 25% યોગદાન આપે છે. આ સંદર્ભમાં ચર્ચા દરમિયાન આસામની સ્થાપિત ઓઇલ અને ગેસ તથા સર્વિસ સેક્ટરની ઇકોસિસ્ટમને ગુજરાતની ઉભરતી સેમિકન્ડક્ટર, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઓઇલ અને ગેસ ક્ષેત્ર સાથે જોડવાની તકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે “વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર” (વિકસિત ગુજરાત - વૈશ્વિક ભવિષ્યનું ઘડતર) થીમ હેઠળ યોજાશે, જે ઉદ્યોગો, નીતિઓ બનાવનાર અને ઉદ્યોગ અગ્રણીઓને એક મંચ હેઠળ લાવશે.

ગુવાહાટીનો આ રોડ શો ગુજરાત અને આસામ વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને માત્ર વાતચીત પૂરતા સીમિત ન રાખતા અર્થપૂર્ણ વ્યવસાયિક સહયોગ તરફ આગળ લઈ જવાની એક ઉત્તમ તક સાબિત થયો છે. VGGS 2027ની તૈયારીઓ આગળ વધી રહી છે ત્યારે, ગુવાહાટી અને સમગ્ર આસામના સાહસો, સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક સંસ્થાઓને તેમની કુશળતા, વિચારો અને ભાગીદારીની પ્રાથમિકતાઓ સાથે ગાંધીનગર પધારવા તેમજ આંતર-રાજ્ય મૂલ્ય શૃંખલા (વેલ્યુ ચેઇન) અને ભારતના આગામી તબક્કાના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

આ અગાઉ ગુજરાત સરકારના આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા માટે ઔપચારિક આમંત્રણ પાઠવ્યું હતું. અને આ બેઠક દરમિયાન ઓઈલ અને ગેસ ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક સહયોગ, પરસ્પર રોકાણની તકો અને આંતર-રાજ્ય ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande