
- ગુજરાત મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ ઉમેરાઈ
- જાતિ દર્શાવતા શબ્દો, સંકેતો, ચિહ્નો અને લખાણના પ્રદર્શન પર નિયંત્રણ
ગાંધીનગર,20 નવેમ્બર (હિ.સ.) ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિહ્નો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે.
હવે ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર કે, બસ અથવા ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે, લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ માટે ગુજરાત સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરી છે.
રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ગત 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કર્યા છે. આ સુધારા હેઠળ નિયમ 125ના પેટાનિયમ (1)માં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાહેરાતનાં ઉપકરણો અને આકૃતિઓ અંગેની જોગવાઈમાં હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આથી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવાની અને જાતિ દર્શાવતા સંકેતો કે લખાણ મૂકવાની બાબતને નિયમન હેઠળ આવરી લેવામાં આવી છે.
આ નિર્ણયનું વિશેષ મહત્ત્વ એ છે કે ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતા શબ્દો અને ચિહ્નોના પ્રદર્શન અંગે હવે મોટર વાહન નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ ઉમેરાઈ છે. વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં તે અંગે નિયમન વધુ સ્પષ્ટ બનશે. જોકે, રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમથી જરૂરી અપવાદોને મંજૂરી આપી શકશે.
ઉલ્લેખનીય છે કે આ સુધારાના મુસદ્દા નિયમો અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકો પાસેથી 30 દિવસમાં વાંધા કે સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. નિર્ધારિત સમયગાળામાં સરકારને કોઈ વાંધો કે, સૂચન પ્રાપ્ત ન થતાં હવે અંતિમ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
આમ, ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો અને સંકેતોના પ્રદર્શનને નિયંત્રિત કરવા રાજ્ય સરકારે મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ