
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં, દેશભરમાં 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2026 સુધી ‘સેવા દૂત અભિયાન’ ચલાવશે. 25 દિવસ સુધી ચાલનારા આ રાષ્ટ્રવ્યાપી લોકસંપર્ક અભિયાનનું સમાપન 25 ડિસેમ્બરે સુશાસન દિવસના અવસર પર થશે. આ દિવસ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જયંતિ તરીકે મનાવવામાં આવે છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને અભિયાનના રાષ્ટ્રીય સંયોજક હરીશ દ્વિવેદીના નેતૃત્વમાં ચાલનારા, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારોની જનકલ્યાણકારી યોજનાઓને ઘરે-ઘરે પહોંચાડવાનો તથા પાત્ર લોકોને યોજનાઓનો લાભ અપાવવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અભિયાનના માધ્યમથી પાર્ટી કાર્યકર્તાઓ સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને ફરિયાદો પણ એકત્ર કરશે, જેથી તેમને સરકાર અને પાર્ટી નેતૃત્વ સુધી પહોંચાડી શકાય.
દરેક વિધાનસભા ક્ષેત્રમાં તૈનાત થશે સેવા દૂત
અભિયાન અંતર્ગત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પસંદગીના કાર્યકર્તાઓને, અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોમાં 25 દિવસ માટે જવાબદારી સોંપવામાં આવશે. આમને ‘સેવા દૂત’ કે ‘વિસ્તારક’ તરીકે તૈનાત કરવામાં આવશે. આ કાર્યકર્તાઓ સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં રહીને જમીની સ્તરે લોકોનો સંપર્ક કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક સેવા દૂતે સંગઠનાત્મક મંડળમાં લગભગ પાંચ દિવસ વિતાવવા પડશે. આ દરમિયાન તેઓ ગામડાઓ, શહેરી વોર્ડ અને મતદાન મથકો સુધી પહોંચીને સ્થાનિક લોકો સાથે સંવાદ કરશે. સાથે જ સરકારી યોજનાઓના ક્રિયાન્વયન, લાભાર્થીઓની સ્થિતિ અને પાર્ટી સંગઠનની મજબૂતાઈનું આકલન પણ કરશે.
પોતાના ગૃહ જિલ્લાથી બહાર મળશે જવાબદારી
અભિયાનને વધુ પ્રભાવશાળી અને નિષ્પક્ષ બનાવવા માટે અનેક રાજ્યોમાં નેતાઓ અને કાર્યકર્તાઓને તેમના ગૃહ જિલ્લાથી બહારના વિધાનસભા ક્ષેત્રોમાં જવાબદારી આપવાની યોજના છે. જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ વ્યવસ્થા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. આનાથી કાર્યકર્તાઓ સ્થાનિક પરિસ્થિતિઓનું સ્વતંત્ર રૂપે આકલન કરી શકશે.
અનેક રાજ્યોમાં તૈયારીઓ શરૂ
સેવા દૂત અભિયાનને લઈને બિહાર, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં, સંગઠનાત્મક કાર્યશાળાઓ યોજાઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા આગામી ચૂંટણીવાળા રાજ્યોમાં પણ, અભિયાનની તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ