
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને, ગુરુવારે સંવિધાન દિવસના અવસરે વિજ્ઞાન ભવનમાં ભારતના સંવિધાનની તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં અદ્યતન આવૃત્તિઓ જારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમામ અનુસૂચિત ભાષાઓમાં સંવિધાનની ઉપલબ્ધતા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને દેશની ભાષકીય વિવિધતા તથા લોકતાંત્રિક સમાવેશીતાનો ઉત્સવ છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, સંવિધાનને નાગરિકોની માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવાથી તેઓ પોતાના બંધારણીય અધિકારો, ફરજો અને મૂલ્યોને વધુ સારી રીતે સમજી શકશે. આનાથી શાસન અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે તેમજ લોકતાંત્રિક પ્રક્રિયામાં લોકોની ભાગીદારી વધુ મજબૂત થશે.
તેમણે આ અવસરે ભારતની લોકતાંત્રિક યાત્રાનું ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવતા સંવિધાન નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકર અને સંવિધાન સભાના અન્ય સભ્યોને આદરપૂર્વક યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે સંવિધાન માત્ર કાનૂની દસ્તાવેજ નથી પરંતુ તે રાષ્ટ્રનો જીવંત આત્મા છે. તેમણે કાયદો અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલ અને તેમની ટીમવે કરેલા પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પ્રયાસોથી સંવિધાનને સામાન્ય લોકોની વધુ નજીક લાવવામાં મદદ મળશે. આ ભારતની ભાષકીય અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત કરવાની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.
રાધાકૃષ્ણને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ભાષાઓ અને જ્ઞાન પરંપરાઓના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કરવામાં આવી રહેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્ઞાન ભારતમ અને કાશી તમિલ સંગમમ્ જેવી પહેલ ભારતની સભ્યતાગત વારસાને સુરક્ષિત રાખવા અને વિવિધ ક્ષેત્રો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતની તાકાત તેની વિવિધતામાં રહેલી છે. ભાષાઓ માત્ર સંવાદનું માધ્યમ નથી હોતી પરંતુ તે સંસ્કૃતિ, પરંપરા અને ઓળખની વાહક પણ છે. તેમણે તમામ ભારતીય ભાષાઓ પ્રત્યે સમાન આહ્વાન કરતા કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા પ્રત્યે વિશેષ લગાવ હોય છે પરંતુ અન્ય લોકોની ભાષાઓ અને માતૃભાષાઓનું સન્માન કરવું પણ તેટલું જ જરૂરી છે.
તેમણે નાગરિકોને પોતાની માતૃભાષાનો ઉત્સવ મનાવવા અને ભારતની સમૃદ્ધ ભાષકીય વિવિધતાને અપનાવવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ જ વિવિધતા ભારતને એક સૌહાર્દપૂર્ણ રાષ્ટ્ર બનાવે છે.
મહાકવિ સુબ્રમણ્યમ ભારતીના વિચારોનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારતમાં ભલે અનેક ભાષાઓ બોલાતી હોય પરંતુ દેશના વિચારો, આકાંક્ષાઓ અને કાર્યો રાષ્ટ્રની સેવા માટે એકજુટ છે. તેમણે કહ્યું કે, તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં સંવિધાનનું વિમોચન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરે છે અને વિકસિત ભારત@2047ના લક્ષ્યની દિશામાં દેશની યાત્રાને મજબૂતી પ્રદાન કરશે.
તેમણે સૌને ‘રાષ્ટ્ર પ્રથમ’ના માર્ગદર્શક સિદ્ધાંત સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે એક મજબૂત અને એકસંપ રાષ્ટ્ર જ પોતાની તમામ ભાષાઓના સંરક્ષણ અને તેમના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકે છે.
આ અવસરે કેન્દ્રીય કાયદો અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલ, ધારાસભા વિભાગના સચિવ ડૉ. રાજીવ મણિ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ