વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લખનઉ લઈ પહોંચ્યું ગુજરાત
ઉત્તર પ્રદેશના ઉદ્યોગજગતને વિકાસયાત્રામાં સહભાગી બનવા આમંત્રણ ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારે આજે લખનઉની હોટેલ હિલ્ટન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના પ્રચારાર્થે રોડ શોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 આમંત્રણ


- ઉત્તર પ્રદેશના ઉદ્યોગજગતને વિકાસયાત્રામાં સહભાગી બનવા આમંત્રણ

ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારે આજે લખનઉની હોટેલ હિલ્ટન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના પ્રચારાર્થે રોડ શોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ તેમજ રોકાણકારો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ શો દરમિયાન ઉત્તર પ્રદેશના ઉદ્યોગકારોને સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમિટ આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે.

આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું. તેમની સાથે લખનઉ રોડ શોના નોડલ અધિકારી અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોક કુમાર પાંડે, IAS પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ સરકારના ઊર્જા અને નગર વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, IAS, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોક કુમાર પાંડે, IAS, MSME કમિશનર ક્ષિપ્રા અગ્રે, IAS તથા ઉત્તર પ્રદેશ સરકારના MSME અને નિકાસ પ્રોત્સાહન વિભાગના મુખ્ય સચિવ શશિ ભૂષણ લાલ સુશીલ, IAS સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અનેક ઉદ્યોગપતિઓ, રોકાણકારો તેમજ વેપાર અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

એસોચેમની નેશનલ કાઉન્સિલ MSMEના સહ-અધ્યક્ષ પુરન ડાવરે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ VGGS 2027 અને તેની 'વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર' થીમ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત દેશના અગ્રણી રોકાણ કેન્દ્રોમાંનું એક છે. ગુજરાતની અર્થવ્યવસ્થા 318 અબજ અમેરિકી ડોલરની છે. રાજ્યની ઉત્પાદન ક્ષમતા મજબૂત છે અને દેશની કુલ માલસામાનની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા છે. વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, પ્રગતિશીલ નીતિઓ અને સ્થિર વ્યવસાયિક વાતાવરણ ગુજરાતને રોકાણ માટે આકર્ષક સ્થળ બનાવે છે. પરંપરાગત તેમજ ઉભરતા બંને ક્ષેત્રોમાં ગુજરાતનું નેતૃત્વ રાજ્યની આર્થિક પ્રગતિને વધુ વેગ આપે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના માધ્યમથી ગુજરાત વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, નવા રોકાણો આકર્ષવા અને વિકસિત ભારત 2047ના સંકલ્પમાં પોતાનું યોગદાન વધુ વેગવાન બનાવવા પ્રતિબદ્ધ છે.

સભાને સંબોધિત કરતાં મંત્રી રમણભાઈ સોલંકીએ વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશની પરસ્પર પૂરક ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, આઇટી, લોજિસ્ટિક્સ, અદ્યતન ઉત્પાદન, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઊર્જા, વૈશ્વિક વેપાર અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં બંને રાજ્યો વચ્ચે સહયોગની વિશાળ તકો હોવાનું જણાવ્યું હતું. સાથે જ ઉત્તર પ્રદેશના ઉદ્યોગકારોને ભાગીદારી અને રોકાણ માટે VGGS 2027નો મંચ ઉપયોગમાં લેવા આમંત્રણ આપ્યું હતું.

ઉત્તર પ્રદેશ સરકારના ઊર્જા અને નગર વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને ગુજરાત દેશના બે સૌથી ગતિશીલ વિકાસ કેન્દ્રો છે. બંને રાજ્યો ઝડપથી પરિવર્તન પામી રહેલા ભારતની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ એકબીજાના સ્પર્ધકો નહીં, પરંતુ પરસ્પર પૂરક વિકાસના એન્જિન છે, જે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.

ઉદ્યોગજગત તરફથી RSPL ગ્રુપના CEO શ્રી ટિંકુ છાબડા, યુનો મિન્ડા લિમિટેડનાં ડૉ. આનંદી એન. સિન્હા અને એશિયન પેઇન્ટ્સ લિમિટેડના શ્રી અમિત કુમાર સિંહે ગુજરાતમાં વ્યવસાય કરવાના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તમામ ઉદ્યોગ પ્રતિનિધિઓએ ગુજરાતના ઉદ્યોગ-અનુકૂળ વાતાવરણ, વહીવટી પારદર્શિતા, સરકારની સરળ ઉપલબ્ધતા અને રાજ્યની રોકાણલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ પહેલાં મંત્રી અને નોડલ અધિકારીએ ઉત્તર પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં કેમિકલ્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, આરોગ્ય સેવાઓ, ફૂડ પ્રોસેસિંગ તથા એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રતિનિધિમંડળે લખનઉના ગુજરાતી સમાજના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

આ રોડ શો પૂર્વે 25 નવેમ્બરના રોજ પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના ટોચના નેતૃત્વ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. જેમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક તથા ઊર્જા અને નગર વિકાસ મંત્રી એ.કે. શર્માનો સમાવેશ થાય છે. આ તમામ મહાનુભાવોને પણ VGGS 2027માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પ્રકારના રોડ શો દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને દેશનાં મુખ્ય વ્યાપારી કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે. તેના માધ્યમથી ગુજરાત સરકાર સમિટના મુખ્ય આયોજન પહેલાં સ્થાનિક ઉદ્યોગજગત સમક્ષ રોકાણની તકો સીધી રીતે રજૂ કરે છે અને વિવિધ રાજ્યો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે

વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાત સરકારની અગ્રણી રોકાણલક્ષી પરિષદ છે. આ સમિટની પરિકલ્પના તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી.

આ સમિટ વૈશ્વિક વેપારજગતના અગ્રણી પ્રતિનિધિઓ, રોકાણકારો, નીતિ-નિર્માતાઓ અને વિવિધ દેશોની સરકારોને એક મંચ પર લાવે છે. સમિટની 11મી આવૃત્તિ આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ સમિટની થીમ 'વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર' રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande