
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (એસડીટીટી) અને આરડી ટાટા ટ્રસ્ટ (આરડીટીટી)એ બોમ્બે હાઈ કોર્ટમાં ટાટા સન્સ અને તેના 6 નિર્દેશકો વિરુદ્ધ ગુરુવારે મુકદ્દમા દાખલ કર્યા છે. હાઈ કોર્ટની એકલ પીઠ શુક્રવારે આ મુકદ્દમાઓ પર સુનાવણી કરી શકે છે.
કોર્ટમાં ટાટા ટ્રસ્ટ તરફથી દાખલ કરાયેલા મુકદ્દમાઓ અનુસાર, એન. ચંદ્રશેખરનની ફરીથી નિમણૂક કરવા માટે ટાટા સન્સના નિર્દેશક મંડળનો 17 સપ્ટેમ્બરનો પસાર કરાયેલો પ્રસ્તાવ અમાન્ય હતો. ટ્રસ્ટે કહ્યું કે તેને કંપનીના અંતર્નિયમો (એઓએ)ના અનુચ્છેદ 121 હેઠળ જરૂરી સમર્થનનું મત મળ્યું ન હતું. બંને ટ્રસ્ટે એન. ચંદ્રશેખરનને કંપનીના કાર્યકારી ચેરમેન તરીકેના ત્રીજા પાંચ વર્ષના કાર્યકાળ માટે ફરીથી નિમણૂક કરવા સામે પડકાર ફેંક્યો છે. એસડીટીટીએ 50 કરોડ રૂપિયા અને આરડીટીટીએ 15 કરોડ રૂપિયાના હરજાનાની માંગ કરી છે. બંને ટ્રસ્ટે આ રકમ પર વાર્ષિક 18 ટકા વ્યાજ પણ માંગ્યું છે.
ટ્રસ્ટે તત્કાલ રાહત તરીકે આ માંગ કરી છે કે, 30 નવેમ્બરે યોજાનારી નિર્દેશક મંડળની બેઠકમાં નામાંકિત નિર્દેશકો વચ્ચે મતભેદની સ્થિતિમાં ટાટા સન્સના ચેરમેન પોતાના નિર્ણાયક મતાધિકારનો ઉપયોગ ન કરી શકે. આ વિવાદ 17 સપ્ટેમ્બરે નિર્દેશક મંડળની બેઠકમાં ચંદ્રશેખરનને ટાટા સન્સના કાર્યકારી ચેરમેન તરીકે આગામી પાંચ વર્ષ માટે ફરીથી નિમણૂક કર્યા પછી શરૂ થયો.
આ પહેલાં બંને ટ્રસ્ટે બુધવાર રાત્રે હાઈ કોર્ટ જવાની પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેમનું કહેવું છે કે, 17 સપ્ટેમ્બર પછીથી આ મામલામાં મોકલવામાં આવેલા પત્રોનો કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. નોએલ ટાટાની અધ્યક્ષતાવાળા ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સની લગભગ 66 ટકા હિસ્સેદારી છે. ટ્રસ્ટે 17 સપ્ટેમ્બરે પસાર કરાયેલા નિર્દેશક મંડળના પ્રસ્તાવને પડકાર્યો છે. ટ્રસ્ટે 20 સપ્ટેમ્બરે જારી એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પ્રસ્તાવ વૈધ રીતે પસાર થયો નથી અને તેનો કોઈ કાનૂની પ્રભાવ નથી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ