
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં હાઈવે પર બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘાયલ થયેલા 17 વર્ષ અને 11 મહિનાના રાહુલ પ્રહલાદભાઈ પટણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માઈલસ્ટોન હોટલ સામે સર્જાયેલા આ અકસ્માતમાં રાહુલ સાથે બાઈક પર સવાર અન્ય એક યુવકને પણ ઈજાઓ પહોંચી હતી.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગામના જ્યોતિનગરમાં રહેતા પ્રહલાદભાઈ ઝેણાભાઈ પટણી મજૂરીકામ કરે છે. તેમની ફરિયાદ મુજબ, તેમના પુત્ર રોહિત અને રાહુલ મોટરસાઈકલ લઈને સિદ્ધપુરના કાત્યોકના મેળામાં શિંગોડા વેચવા આવ્યા હતા. મેળામાંથી પરત ફરતી વખતે ગામના દિનેશભાઈ મોહનભાઈ પટણી પણ રાહુલ સાથે બાઈક પર સવાર હતા.
માઈલસ્ટોન હોટલ સામે હાઈવે પર પૂરઝડપે અને બેદરકારીથી બાઈક ચલાવવાને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક સ્લીપ થતાં બંને નીચે પટકાયા હતા. અકસ્માતમાં રાહુલને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલ અને પાલનપુરની શ્રીહરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, વધુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
અકસ્મતની જાણ પોલીસને ન કરવા અને બેદરકારીથી વાહન ચલાવવાના આક્ષેપ સાથે પ્રહલાદભાઈએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોટરસાઈકલ નંબર GJ-08 EB-0340ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જયપ્રકાશ રામતેજ શુકલાને સોંપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ