
સુરત/તાપી, 28 નવેમ્બર (હિ.સ.) :
170-વિધાનસભા મતવિસ્તારના 72 કલાકના પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામની મુલાકાત લીધી હતી. તેમણે બુહારી સ્થિત રામજી મંદિરે દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ મંત્રી રિવાબા જાડેજાએ સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. તેમણે આદિવાસી સમાજના હક, અસ્મિતા અને રાષ્ટ્રનિર્માણમાં ભગવાન બિરસા મુંડાના અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ સાથે જ તેમણે ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર તથા રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી રિવાબા જાડેજા, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા અને મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કલાકારો સાથે નૃત્યમાં સહભાગી થઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને આદિવાસી લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં બારડોલી પ્રાંત અધિકારી મોસમી પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે