
સુરત, 28 નવેમ્બર (હિ.સ.): સુરતની એક 17 વર્ષીય સગીરાએ ઘરમાં થતી તકરાર અને માતા-પિતા દ્વારા થતી મારપીટ અંગે 181 અભયમ હેલ્પલાઇન પર મદદ માગી હતી. અભયમ દ્વારા અસરકારક કાઉન્સેલિંગ દ્વારા માતાપિતા અને સગીરા વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
વાત એમ છે કે, પરિવારને આર્થિક મદદ કરવા ઘરકામ કરતી સગીરાને અગાઉની એક પારિવારિક ઘટનાને લઈને વારંવાર ટોકવામાં આવતી હતી અને નોકરી બાબતે દબાણ કરાતું હતું. બીજી તરફ માતા-પિતાએ દીકરીના મોડી રાત સુધી બહાર રહેવા અને વર્તણૂક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
અભયમ ટીમના કાઉન્સેલરે બંને પક્ષોની વાત શાંતિપૂર્વક સાંભળી હતી. ટીમે માતા-પિતાને સગીરાવસ્થામાં દીકરીને પ્રેમ અને હૂંફ આપવા, મારપીટ ન કરવા તેમજ બાળમજૂરી અને બાળલગ્ન સંબંધિત કાયદાકીય બાબતોની સરળ સમજણ આપી હતી. સાથે જ સગીરાને પણ અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ મુશ્કેલીના સમયે 181 હેલ્પલાઇનની મદદ લેવા માર્ગદર્શન આપ્યું હતું.
સમજાવટ બાદ સગીરાએ માતા-પિતાની માફી માગી હતી અને માતા-પિતાએ પણ દીકરી સાથે પ્રેમપૂર્વક વર્તન કરવાની ખાતરી આપી હતી. આમ, 181 અભયમ ઉમરા ટીમની કુનેહભરી કામગીરીથી પરિવારમાં ફરી સુખદ વાતાવરણ સ્થાપિત થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે