
સુરત, 28 નવેમ્બર (હિ.સ.): મહુવા વિધાનસભાની મુલાકાતે પધારેલા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ અંબિકા તાલુકાના વહેવલ ગામના આદિવાસી સમાજના મુકેશભાઈ રમણભાઈ ઢોડિયાના પરિવાર સાથે સાંજે સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
મંત્રીએ તુવેરનું શાક, સીબ દાળ, ઢેકરા, ભડકું, પનેલા, કચુંબર જેવી પરંપરાગત આદિવાસી વાનગીઓ આરોગી હતી. ભોજન દરમિયાન ખૂબ જ સહજતા સાથે મુકેશભાઈ અને તેમના માતા ધનુબેન, પત્ની મિતાબેન, પુત્ર કેવલ, પુત્રી ત્રિશા સાથે પુત્રીભાવ સાથે સહજ સંવાદ કરી તેમની પરિસ્થિતિ જાણી હતી. અહીં ગ્રામ્ય જીવન અને આદિવાસી સંસ્કૃતિની મહેંક અનુભવાઈ છે એમ જણાવી તેમણે પરિવારના બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ સમજાવી તેઓ ખૂબ આગળ વધે તે માટે પ્રોત્સાહન આપ્યું હતું.
આદિજાતિ પરિવારનું આતિથ્ય માણી આ ભોજનને જીવનની યાદગાર ક્ષણ ગણાવી પરિવારજનો અને ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે