
ભાવનગર,28 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરના ‘સખી’ વન સ્ટોપ સેન્ટરે ઝારખંડની 24 વર્ષીય ભૂલી પડેલી યુવતીનું તેના પિતા સાથે પુનઃમિલન કરાવી માનવતાભર્યું કાર્ય કર્યું છે. છેલ્લા બે મહિનાથી ઘરેથી નીકળી ગયેલી યુવતીને સુરક્ષિત આશ્રય, કાઉન્સેલિંગ અને જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી.
પાલિતાણા 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા યુવતીને ભાવનગરના ‘સખી’ વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. સેન્ટરના કર્મચારીઓએ યુવતીને 10 દિવસ સુધી આશ્રય આપી તેની સંભાળ રાખી હતી. ત્યારબાદ મામલતદાર કચેરી મારફતે આધારકાર્ડની વિગતોના આધારે યુવતીની ઓળખ અને પરિવારની માહિતી મેળવવામાં આવી હતી.
181 અભયમ મહિલા હેલ્પલાઇન અને પોલીસની મદદથી યુવતીના પિતાનો સંપર્ક કરાયો હતો. વીડિયો કોલ મારફતે યુવતીએ પિતાને ઓળખી લીધા બાદ તેમને ઝારખંડથી ભાવનગર બોલાવવામાં આવ્યા હતા. ઓળખપત્રોની ખરાઈ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી યુવતીની સંમતિથી 26 નવેમ્બરે તેને પિતાને સોંપવામાં આવી હતી. દીકરીને સુરક્ષિત પરત મેળવતાં પિતાએ સેન્ટરના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી આર.કે. જાખણીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરમાં જેલ ગ્રાઉન્ડ પાછળ, શ્યામલ ફ્લેટ પાસે કાર્યરત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર 24 કલાક મહિલાઓની મદદ માટે ઉપલબ્ધ છે. વર્ષ 2019થી અત્યાર સુધીમાં 1,637 હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓએ કેન્દ્રની મદદ મેળવી છે. મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આ કેન્દ્ર આશ્રય, સુરક્ષા અને સહાયનો મજબૂત આધાર બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA