
ભાવનગર, 28 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવાના હેતુથી રોડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કચેરી ખાતે લાઇસન્સ સહિતની વિવિધ કામગીરી માટે આવતા મોટોરિંગ પબ્લિકને માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
સેમિનાર દરમિયાન વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વાહનની ગતિ મર્યાદામાં રાખવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતો અટકાવવા માટે વાહનચાલકોમાં જવાબદારી અને જાગૃતિ હોવી જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અકસ્માત સમયે ઘાયલોને મદદરૂપ થવા માટેની 'રાહવીર' યોજનાની માહિતી આપવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે મદદ કરનાર નાગરિકોને પ્રોત્સાહિત કરતી આ યોજનાના હેતુ વિશે સમજાવવામાં આવ્યું હતું. સાથે જ અકસ્માત પીડિતોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની PM-RAHAT યોજનાની માહિતી પણ આપવામાં આવી હતી. આ સેમિનારનો હેતુ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવી સુરક્ષિત વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA