લાખણકા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો, એસ.ઓ.જી. અને આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન
બોટાદ,28 નવેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે માન્ય મેડિકલ ડિગ્રી વિના દવાખાનું ચલાવી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરને એસ.ઓ.જી. અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા એક વર્ષથી અમાન્ય પ્રમાણપત્રના આધારે એલોપ
પકડાયેલ આરોપી


બોટાદ,28 નવેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે માન્ય મેડિકલ ડિગ્રી વિના દવાખાનું ચલાવી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરને એસ.ઓ.જી. અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા એક વર્ષથી અમાન્ય પ્રમાણપત્રના આધારે એલોપેથિક દવાઓ અને ઈન્જેક્શનથી દર્દીઓની સારવાર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

લાખણકા ગામની મેઈન બજારમાં ‘પાર્થ ક્લિનિક’ નામે દવાખાનું ચલાવતા અશ્વિનભાઈ ચંદ્રકાંતભાઈ ભટ્ટ (ઉંમર 42) અંગે મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી. અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્લિનિકમાં માન્ય મેડિકલ ડિગ્રી વગર સારવાર કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.

ટીમે ક્લિનિકમાંથી વિવિધ દવાઓ, ઈન્જેક્શન, ગ્લુકોઝની બોટલો, સ્ટેથોસ્કોપ તેમજ રોકડ સહિત કુલ રૂ. 28,231.10નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોગસ તબીબી વ્યવસાય કરતા શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં માન્ય લાયકાત વિના તબીબી વ્યવસાય કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા તપાસ તથા કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande