
ભાવનગર, 28 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવતાં ગાંજાના 104 છોડ મળી આવ્યા હતા. પોલીસે ગાંજાના છોડ કબજે કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, દેગવડા ગામમાં ગાંજાનું વાવેતર હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા ડ્રોનની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હકાભાઈ ભીખાભાઈ ગોહિલના ખેતરમાં ગાંજાના છોડ મળી આવતા પોલીસની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી હતી.
ખેતરમાંથી ગાંજાના કુલ 104 છોડ મળી આવ્યા હતા, જેનું વજન 12 કિલો 760 ગ્રામ જેટલું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગાંજાના છોડ કબજે કરી વાવેતર કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો.
આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થતાં નશીલા પદાર્થોના ગેરકાયદે વાવેતર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ગાંજાના વાવેતર અંગે અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA