




- ગુજરાત ટુરિઝમ દ્વારા વૈશ્વિક બ્લૂ ફ્લેગ ધોરણો મુજબ નિર્મિત સાઈકલ ટ્રેક, સ્નોર્કલિંગ પ્લાઝા અને એમ્ફીથીયેટર જેવી આધુનિક સુવિધાઓ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઈ
દ્વારકા, 28 નવેમ્બર (હિ.સ.) : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયાકિનારે આવેલા બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજિત રૂ. ૧૦૨ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ પ્રવાસન અને યાત્રી સુવિધાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવામાં આવેલી આ અત્યાધુનિક સુવિધાઓથી સ્થાનિક રોજગારી અને રાજ્યના પ્રવાસન અર્થતંત્રને નવી ગતિ મળશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રમણીય શિવરાજપુર બીચ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પર્યટન, પ્રવાસન અને સલામતીને કેન્દ્રમાં રાખીને વૈશ્વિક બ્લૂ ફ્લેગના ધોરણો અનુસાર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ શિવરાજપુર બીચ પહોંચીને અંદાજિત રૂ. ૧૦૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી આ પ્રવાસનલક્ષી સુવિધાઓનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રવાસન સચિવ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા અને બીચ પર વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓ અંગે મુખ્યમંત્રીને વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી, જે પ્રવાસીઓના અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.
આ વિકાસ કાર્યો અંતર્ગત પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. ૨૩.૪૩ કરોડના ખર્ચે પાયાની અને આકર્ષક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ફેઇઝ-૧ માં પ્રવાસીઓના સ્વાગત માટે અરાઈવલ પ્લાઝા, દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવા માટે સ્નોર્કલિંગ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ અને વોકિંગ પાથ-વેનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત પ્રવાસીઓની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોકર રૂમ, ચેન્જિંગ રૂમ, ટોઇલેટ બ્લોક, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગ અને યોગ્ય દિશાસૂચન માટે સાઈનેજીસ લગાવવામાં આવ્યા છે. પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા માટે અંડરગ્રાઉન્ડ વોટર ટેંક, ઇલેક્ટ્રિક વર્ક તેમજ આધુનિક સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા પણ આ તબક્કામાં વિકસાવવામાં આવી છે.
પ્રવાસન સુવિધાઓના વિસ્તરણના ભાગરૂપે બીજા તબક્કામાં અંદાજે રૂ. ૭૮.૮૫ કરોડના ખર્ચે મનોરંજન અને સુરક્ષાલક્ષી મોટા પ્રોજેક્ટ્સ સાકાર કરવામાં આવ્યા છે. ફેઇઝ-૨ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિશાળ ઇવેન્ટ ગ્રાઉન્ડ અને એમ્ફીથીયેટર, ઐતિહાસિક વારસાની જાળવણી માટે ફોર્ટ રિસ્ટોરેશન તેમજ દરિયાકિનારાનો નજારો માણવા બોર્ડ વોક અને વિવિધ ડેક તૈયાર કરાયા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે લાઈફ ગાર્ડ ટાવર અને રાત્રિના સમયે આકર્ષક માહોલ માટે બીચ લાઈટિંગની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત શાવર રૂમ, શૌચાલય, ચેન્જિંગ રૂમ, ખાણીપીણી માટે કિયોસ્ક અને રેસ્ટોરન્ટ, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ તેમજ હરિયાળી માટે હોર્ટિકલ્ચર અને ઈરીગેશનના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રના વિકાસને કારણે સર્વિસ સેક્ટરનું મહત્વ અનેકગણું વધ્યું છે. શિવરાજપુર બીચ પર વિકસાવવામાં આવેલી આ વિશ્વસ્તરીય સુવિધાઓથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને આસપાસના વિસ્તારના યુવાનોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સીધો રોજગાર પ્રાપ્ત થશે. વધુમાં, પ્રવાસન ઉદ્યોગના વિકાસથી પરિવહન, હોસ્પિટાલિટી અને સ્થાનિક બજાર સહિતની સમગ્ર ઇકોનોમી સાયકલને વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્રને સાર્થક કરતા પ્રવાસન ક્ષેત્ર દ્વારા રાજ્યના અર્થતંત્રને મોટો બુસ્ટ મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ લોકાર્પણ સમારોહમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા અને પબુભા માણેક સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય, રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન પી. જોશી અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા હાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ મયુરભાઈ ગઢવી, પુનિત શર્મા, સહદેવસિંહ માણેક તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ ઉપસ્થિત રહીને આ વિકાસ કાર્યોને આવકાર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt