પાટણ : વદાણીમાં કોંગ્રેસનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો, 2027ની ચૂંટણીમાં જીત મેળવવા કાર્યકરોને આહવાન
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના વદાણી ગામે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિસ્તારના લોકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવ્યા હ
વદાણીમાં કોંગ્રેસનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો, 2027ની ચૂંટણીમાં જીત મેળવવા કાર્યકરોને આહવાન


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના વદાણી ગામે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિસ્તારના લોકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો અને ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ આગામી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સંગઠનને મજબૂત બનાવવા અને એકજૂથ થઈ ચૂંટણીના મેદાનમાં ઉતરી વિજય મેળવવા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મેસર ગામના હીરાભાઈ પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને સત્તાવાર રીતે પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ તેમનું સ્વાગત કરી પક્ષની વિચારધારા અને સંગઠનને મજબૂત બનાવવા સૌને સાથે મળીને કામગીરી કરવા અપીલ કરી હતી. લોકસંપર્ક કાર્યક્રમના માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ સાધી સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, સરસ્વતી તાલુકા પ્રમુખ સારજીજી ઠાકોર, જિલ્લા પંચાયત સભ્ય મેપાજી ઠાકોર અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રણજીતસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેલજીજી ઠાકોર, જબ્બરસિંહ ઠાકોર, કનુજી ઠાકોર, વદુજી ઠાકોર, બચુજી ઠાકોર અને હારૂનભાઈ ઢુકકા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande