


છોટાઉદેપુર, 28 નવેમ્બર (હિ.સ.) : રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અને પ્રવાસીઓ માટે આંતરમાળખાકીય સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પ્રસિદ્ધ તીર્થ અને પર્યટન સ્થળ હાફેશ્વરની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે પ્રવાસન વિભાગ હેઠળ ચાલી રહેલા વિવિધ મહત્ત્વપૂર્ણ વિકાસકાર્યોની પ્રગતિ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) દ્વારા નિર્માણાધીન જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના ટુરિઝમ રિસેપ્શન કાઉન્ટર ફેઝ-૧ અને ફેઝ-૨ તેમજ 'રેવા ઇકો ટુરિઝમ સાઇટ' પ્રોજેક્ટ્સનું સ્થળ પર જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે નર્મદા નદીના રમણીય તટ પર બોટિંગ કરીને સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રવાસન સંભાવનાઓનો તાગ મેળવ્યો હતો.
નિરીક્ષણ બાદ સંઘવીએ સ્થળ પર ઉપસ્થિત વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે તમામ પ્રવાસન પ્રોજેક્ટ્સની કામગીરી ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા, જેથી આગામી સમયમાં દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હાફેશ્વર એક આકર્ષક ઇકો-ટુરિઝમ હબ બની શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ