
બોટાદ, 28 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ચરાવવા ગયેલા વૃદ્ધનું નહેરમાં ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલી નહેરમાં વૃદ્ધ ડૂબી જતાં સ્થાનિકોમાં ચકચાર મચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાઠીદડ ગામના વૃદ્ધ બોળીયા રાહાભાઈ નારણભાઈ પશુઓ ચરાવવા ગયા હતા. દરમિયાન બોટાદના લાઠીદડ ગામમાં સ્કાય ટેક્સટાઇલ નજીક આવેલી નહેરમાં તેઓ ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
જાણ મળતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને નહેરમાં વૃદ્ધની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે નહેરમાંથી વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક લાઠીદડ ગામના રહેવાસી બોળીયા રાહાભાઈ નારણભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
વૃદ્ધના મોતના સમાચારથી ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વૃદ્ધના મોતનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA