
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરની ગોળશેરી વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યામંદિર હાઈસ્કૂલમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ‘બાળલગ્ન: એક સામાજિક દૂષણ’ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્વે વિદ્યાર્થીઓને બાળલગ્નનાં સામાજિક પરિણામો, તેના કારણે ઊભી થતી સમસ્યાઓ અને બાળલગ્ન પ્રતિબંધક કાયદા અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.
નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ બાળલગ્નને સમાજ માટે ગંભીર દૂષણ ગણાવી તેના દુષ્પરિણામો રજૂ કર્યા હતા. ખાસ કરીને નાની ઉંમરે દીકરીઓનાં લગ્ન થવાથી તેમના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને સર્વાંગી વિકાસ પર નકારાત્મક અસર થતી હોવાનું જણાવ્યું હતું. બાળલગ્નના કારણે બાળકો પોતાનાં સપનાં અને ભવિષ્યનાં લક્ષ્યો પૂર્ણ કરી શકતાં નથી તે અંગે પણ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બાળલગ્ન અટકાવવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. પોતાના પરિવાર, પડોશ અને સમાજમાં બાળલગ્ન ન થાય તે માટે જાગૃતિ ફેલાવવા તેમજ ક્યાંય બાળલગ્નનો પ્રયાસ જણાય તો ગ્રામ પંચાયત અને સંબંધિત સરકારી અધિકારીઓને જાણ કરવાનો સંકલ્પ કર્યો હતો. સાથે જ બાળકોના શિક્ષણ અને સલામતી માટે અવાજ ઉઠાવી ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનને સફળ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને સંચાલક મંડળના સભ્યોએ સહયોગ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ