
સુરત, 28 નવેમ્બર (હિ.સ.): સુરત ભાજપમાં કથિત 19 લાખ રૂપિયાના તોડકાંડને લઈને ચાલી રહેલો વિવાદ હવે પ્રદેશ સ્તરે પહોંચ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ મામલે તપાસ કરવાની વાત કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. સુરત ખાતે યોજાયેલી 'સેવાદૂત' અભિયાનની દક્ષિણ ઝોન કાર્યશાળા દરમિયાન મીડિયાએ તેમને આ વિવાદ અંગે સવાલો પૂછ્યા હતા. શરૂઆતમાં સ્પષ્ટ જવાબ ન આપ્યા બાદ તેમણે સમગ્ર મામલે તપાસ કરવાની વાત કરી હતી.
આ વિવાદમાં ભાજપના કિસાન મોરચાના સભ્ય મનીષ નાયકને વોટ્સએપ ગ્રુપમાં કથિત તોડકાંડ અંગે ચર્ચા કરવા બદલ શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જોકે, આ જ ગ્રુપમાં પોતાનો પક્ષ રજૂ કરનાર કોર્પોરેટર ભાઈદાસ પાટીલ સામે કોઈ કાર્યવાહી ન થતાં પક્ષની અંદર જ સવાલો ઊભા થયા છે. કોંગ્રેસે પણ આ મુદ્દે ભાજપને ઘેરતાં પૂછ્યું છે કે કાર્યવાહી માત્ર એક જ વ્યક્તિ સામે કેમ કરવામાં આવી અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કેમ થતી નથી?
બીજી તરફ, શહેર સંગઠન પાસેથી ન્યાયની આશા ન રહેતાં મનીષ નાયકે ઈ-મેલ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી છે. તેમણે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરાવવા, અત્યાર સુધી થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવા અને પક્ષની છબીને નુકસાન પહોંચાડનારા જવાબદાર લોકો સામે શિસ્તભંગનાં પગલાં ભરવાની માંગ કરી છે. હવે પ્રદેશ પ્રમુખે તપાસની વાત કર્યા બાદ સુરત ભાજપમાં આ મામલે શું કાર્યવાહી થાય છે અને કોની જવાબદારી નક્કી થાય છે તેના પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે