
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે જૂની અદાવતને લઈને એક પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ગામના જ ચાર શખ્સો સામે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ઉમંરભાઈ ઈબ્રાહિમભાઈ સિપાઈના જણાવ્યા મુજબ, તેમના ઘરે તેમના ફોઈનો દીકરો મહેમાન તરીકે આવ્યો હતો. અગાઉ ફોઈના દીકરાનો પિતરાઈ ભાઈ ગામની એક દીકરીને ભગાડી ગયો હોવાની બાબતને લઈને અદાવત રાખવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, રફીકભાઈ મહેબુબભાઈ કુરેશી, સાદીકભાઈ સબીરભાઈ કુરેશી, આમીનભાઈ ઈબ્રાહિમભાઈ કુરેશી અને રસુલભાઈ કરીમભાઈ કુરેશી તેમના ઘરે આવ્યા હતા. તેમણે ઉમંરભાઈને ફોઈના દીકરાને ઘરની બહાર કાઢવા કહ્યું હતું અને તેને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જોકે, પરિવારના સભ્યોએ મહેમાનને ઘરમાં રાખીને તેની સુરક્ષા માટે વચ્ચે પડતાં ચારેય શખ્સોએ ઉમંરભાઈ, તેમના દીકરા, પિતા અને ભાઈ પર લાકડીઓ, ધોકા તથા લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત ગડદા-પાટુનો માર માર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
હુમલામાં ઘાયલ થયેલા પરિવારના સભ્યોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ચાણસ્મા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ ફરિયાદી ઉમંરભાઈએ ચારેય આરોપીઓ વિરુદ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જૂની અદાવતને લઈને બનેલી આ ઘટનાના આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ