



પાટણ, 28 નવેમ્બર (હિ.સ.)પાટણ ખાતે યોજાયેલા પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિના સમયે મેળા પરિસરમાં ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતા વિવિધ સ્ટોલ અને એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક તપાસ દરમિયાન અધિકારીઓની ટીમે ખાદ્યપદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ ખાદ્ય સુરક્ષાના ધોરણોનું નિરીક્ષણ કર્યું હતું.
તપાસ દરમિયાન કેટલાક ખાદ્ય એકમોમાં માનવ વપરાશ માટે અયોગ્ય અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી આવી હતી. જેને પગલે તંત્રના અધિકારીઓએ સ્થળ પર જ કાર્યવાહી કરીને આશરે 7 લિટર વપરાશ માટે અયોગ્ય તેલ, 10 કિલો જેટલું રંગયુક્ત મંચુરિયન અને 15 કિલો જેટલી રંગયુક્ત ચટણીનો નાશ કર્યો હતો. આ તમામ ખાદ્યસામગ્રીની અંદાજિત કિંમત રૂ. 5,500 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
મેળામાં આવતા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને તેમને ગુણવત્તાયુક્ત ખાદ્યવસ્તુઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમો સ્વચ્છતા જાળવે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન કરે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સતત દેખરેખ રાખી તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ