સુત્રાપાડામાં લાકડાની હેરાફેરીનો પર્દાફાશ : વન વિભાગે લાકડાથી ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું
વાવડી ગામેથી વેરાવળ તરફ લઈ જવાતો 6 ટનથી વધુ લાકડાનો જથ્થો જપ્ત કરાયો. - વન વિભાગે રૂ. 7 હજારનો દંડ ફટકાર્યો. ગીર સોમનાથ, 28 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં વન વિભાગ દ્વારા લાકડાની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં
સુત્રાપાડામાં લાકડાની હેરાફેરી


- વાવડી ગામેથી વેરાવળ તરફ લઈ જવાતો 6 ટનથી વધુ લાકડાનો જથ્થો જપ્ત કરાયો.

- વન વિભાગે રૂ. 7 હજારનો દંડ ફટકાર્યો.

ગીર સોમનાથ, 28 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં વન વિભાગ દ્વારા લાકડાની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રાપાડા વન વિભાગની ટીમે વાવડી ગામેથી વેરાવળ તરફ લઈ જવામાં આવી રહેલા લાકડાના જથ્થાથી ભરેલા ટ્રેક્ટરને ઝડપી પાડી 6 ટનથી વધુ લાકડાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી લાકડાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાવડી ગામ તરફથી વેરાવળની દિશામાં એક ટ્રેક્ટરમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સુત્રાપાડા વન વિભાગના ફોરેસ્ટ એન.એન.છેલાણાએ ટીમ સાથે વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેક્ટરમાં મોટી માત્રામાં લાકડું ભરેલું હોવાનું સામે આવતાં વન વિભાગે લાકડાના જથ્થા સહિત ટ્રેક્ટરને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ટ્રેક્ટરમાંથી 6 ટનથી વધુ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. લાકડાનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કયા હેતુથી લઈ જવામાં આવી રહ્યો હતો અને વેરાવળમાં કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરવામાં આવી છે.

વન વિભાગે આ મામલે નિયમ મુજબ કાર્યવાહી કરતાં રૂ. 7 હજારનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, લાકડાના જથ્થાના મૂળ સ્ત્રોત અને તેની હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ કે તત્વોની સંડોવણી છે કે કેમ તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાંથી લાકડાના મોટા જથ્થાની હેરાફેરી થતી હોવાના કિસ્સાઓ સામે આવતાં વન સંપત્તિના સંરક્ષણ અને ગેરકાયદેસર કાપણી અટકાવવા વન વિભાગની સતર્કતા જરૂરી બની છે. ત્યારે સુત્રાપાડા વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ હવે લાકડાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળનું સમગ્ર નેટવર્ક શું છે તે તપાસનો વિષય બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande