
ભાવનગર, 28 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ નજીક કારચાલક યુવકો સાથે મહિલા ગ્રામ રક્ષક દળ (GRD) કર્મચારી દ્વારા કરવામાં આવેલી દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સંગીતાબેન નામનાં મહિલા GRD કર્મચારી સામે ખાતાકીય શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યાં છે અને તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરી હાલ ફરજમુક્ત કરવામાં આવ્યાં છે.
વાયરલ થયેલા વીડિયોમાં મહિલા GRD કર્મચારી કારચાલક યુવકો સાથે બોલાચાલી કરતી અને ધોકા વડે માર મારતી જોવા મળતી હોવાનો આક્ષેપ છે. ફરજ દરમિયાન થયેલી આ ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં મહિલા કર્મચારીનું વર્તન સામે આવતાં સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેવામાં આવી હતી.
વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મહિલા કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. GRDમાં ફરજ બજાવતાં સંગીતાબેનને સસ્પેન્ડ કરી ફરજમુક્ત કરવામાં આવ્યાં છે. આ ઘટનાને પગલે ફરજ દરમિયાન કર્મચારીઓના વર્તન અને શિસ્ત અંગે પણ સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયો બાદ થયેલી કાર્યવાહીથી સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA