જામનગરમાં દબાણ હટાવો ઝુંબેશ: સજુબા સ્કૂલથી દરબારગઢ સુધી તંત્રની લાલ આંખ
ટ્રાફિકને અડચણરૂપ દબાણો અને ગંદકી ફેલાવતા તત્વો સામે મનપાની સંયુક્ત મેગા ડ્રાઇવ, હાજર દંડ અને માલસામાન જપ્તીની કાર્યવાહીથી ફફડાટ. જામનગર, 28 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલથી સુભાષ શાકમાર્કેટ થઈ દરબારગઢ
મહાનગર પાલિકાની દબાણ હટાઉ ઝુંબેશ


મહાનગર પાલિકાની દબાણ હટાઉ ઝુંબેશ


મહાનગર પાલિકાની દબાણ હટાઉ ઝુંબેશ


- ટ્રાફિકને અડચણરૂપ દબાણો અને ગંદકી ફેલાવતા તત્વો સામે મનપાની સંયુક્ત મેગા ડ્રાઇવ, હાજર દંડ અને માલસામાન જપ્તીની કાર્યવાહીથી ફફડાટ.

જામનગર, 28 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલથી સુભાષ શાકમાર્કેટ થઈ દરબારગઢ સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે દબાણો અને ગંદકી ફેલાવનારા તત્વો સામે જામનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. એસ્ટેટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મેગા ડ્રાઇવ યોજીને સ્થળ પર જ હાજર દંડ વસૂલવાની તેમજ માલસામાન જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે.

જામનગર શહેરના સજુબા ગર્લ્સ હાઈસ્કૂલથી સુભાષ શાકમાર્કેટ થઈને દરબારગઢ સુધીનો મુખ્ય માર્ગ હંમેશા વાહનોની અવરજવર અને ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ વિસ્તારમાં ઘણા સમયથી કેટલાક વેપારીઓ, રેકડીધારકો અને પાથરણાવાળાઓ દ્વારા જાહેર માર્ગ તથા ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે માલસામાન ખડકી દઈને દબાણ કરવામાં આવતું હતું. પરિણામે આ રૂટ પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ મામલે અનેક વખત સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું.

નિયમોનો ભંગ કરીને ટ્રાફિકને અડચણરૂપ બનતા દબાણકર્તાઓ સામે અંતે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તંત્રના ધ્યાને આવ્યું હતું કે રોડ પર ઊભા રહેતા રેકડીધારકો અને પાથરણાવાળાઓ કચરાપેટી (ડસ્ટબીન) રાખતા નથી અને જાહેર રોડ પર જ કચરો ફેંકીને ગંદકી તથા ન્યુસન્સ ફેલાવે છે. આ ઉપરાંત દુકાનદારો દ્વારા પણ રોડ પર માલસામાન રાખીને રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો હતો. તંત્રની આ અચાનક કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

મહાનગરપાલિકાના કંટ્રોલિંગ અધિકારી અને આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાએ આ કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જાહેર માર્ગ પર ન્યુસન્સ ફેલાવનારા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરનારા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ઝુંબેશ દરમિયાન નિયમભંગ કરનારા વેપારીઓ અને રેકડીધારકો પાસેથી સ્થળ પર જ હાજર દંડની વસૂલાત કરવામાં આવી હતી. જે લોકોએ દંડ ભરવામાં આનાકાની કરી હતી અથવા નિયમોનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું હતું, તેમનો માલસામાન તંત્ર દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ પ્રકારની કાર્યવાહી અત્યંત જરૂરી છે. આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કામગીરી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારા તત્વો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande