
- કાલાવડ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ
જામનગર, 28 નવેમ્બર (હિ.સ.) : કાલાવડમાં રહેતા યુવાનને પીઠડિયા ગામના શખ્સની પત્ની સાથે મિત્રતા હોવાના મનદુઃખમાં ત્રણ શખ્સોએ કાવતરું ઘડી યુવાનનું કારમાં અપહરણ કર્યું હતું. આરોપીઓએ યુવાનને વીરવાવથી રણુજા તરફના કાચા રસ્તે લઈ જઈ લોખંડના પાઈપ વડે માર મારતા યુવાનના હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મામલે કાલાવડ ટાઉન પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
કાલાવડની શીતલા કોલોની સ્થિત જૈન સોસાયટીમાં રહેતા અને વાયરિંગનું કામ કરતા સંદીપભાઈ ધીરુભાઈ ટંકારીયા (40)એ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો મુજબ, સંદીપભાઈના મોટા ભાઈ જસ્મીનભાઈને પીઠડિયા ગામે રહેતા ચીમનભાઈની પત્ની સાથે મિત્રતા હતી. આ બાબતનો ખાર રાખીને ચીમનભાઈએ અન્ય બે અજાણ્યા શખ્સો સાથે મળીને જસ્મીનભાઈ પર હુમલો કરવાનું પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું.
આ કાવતરાના ભાગરૂપે ચીમનભાઈએ પોતાના બે અજાણ્યા સાગરીતોને કાલાવડ નગરપાલિકા ખાતે મોકલ્યા હતા. આ બંને શખ્સોએ જસ્મીનભાઈનો સંપર્ક કરી પ્લમ્બિંગનું કામ હોવાનું બહાનું બતાવ્યું હતું અને કામના સિલસિલામાં તેમને પોતાની સાથે વીરવાવ ગામે લઈ ગયા હતા. જસ્મીનભાઈ કામ હોવાનું માનીને તેમની સાથે ગયા હતા, પરંતુ તેઓ આ ષડયંત્રથી અજાણ હતા.
વીરવાવ ગામે પહોંચતા જ અગાઉથી નક્કી કરેલા આયોજન મુજબ મુખ્ય આરોપી ચીમનભાઈ પોતાની કાર લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ચીમનભાઈ અને તેના બંને અજાણ્યા સાગરીતોએ મળીને જસ્મીનભાઈને બળજબરીથી કારમાં બેસાડી તેમનું અપહરણ કર્યું હતું. આરોપીઓ કારને વીરવાવથી રણુજા ગામ તરફ જતા અવાવરુ કાચા રસ્તા પર લઈ ગયા હતા, જ્યાં ત્રણેય શખ્સોએ જસ્મીનભાઈને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું.
હુમલાખોરોએ કારમાંથી લોખંડના પાઈપ કાઢી જસ્મીનભાઈના શરીર પર આડેધડ ફટકા માર્યા હતા. આ હુમલામાં જસ્મીનભાઈના બંને હાથમાં ફ્રેક્ચર થવા ઉપરાંત પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા કાલાવડ ટાઉન પોલીસે ગુનાહિત કાવતરું રચી હુમલો કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt