જામનગરમાં ગેરકાયદે મુસાફર હેરાફેરી કરતા વાહનચાલકો પર પોલીસ અને એસ.ટી. તંત્રનો સપાટો
શહેરના વિવિધ વિસ્તારોમાં સંયુક્ત ચેકિંગ ડ્રાઇવ દરમિયાન પરમિટ ભંગ બદલ 13 ઇકો કાર અને 7 લક્ઝરી બસ ડિટેઇન, અન્ય વાહનચાલકો પાસેથી રૂ. 15,500નો દંડ વસૂલાયો જામનગર, 28 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં પરમિટના નિયમોનો ભંગ કરીને ખાનગી વાહનોમાં મુસાફરોન
જામનગર એસટી ની કડક કાર્યવાહી


- શહેરના વિવિધ વિસ્તારોમાં સંયુક્ત ચેકિંગ ડ્રાઇવ દરમિયાન પરમિટ ભંગ બદલ 13 ઇકો કાર અને 7 લક્ઝરી બસ ડિટેઇન, અન્ય વાહનચાલકો પાસેથી રૂ. 15,500નો દંડ વસૂલાયો

જામનગર, 28 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં પરમિટના નિયમોનો ભંગ કરીને ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ અને એસ.ટી. વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મુખ્ય માર્ગો પર યોજાયેલી આ તપાસ ઝુંબેશમાં કુલ 20 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે, જ્યારે નિયમ ભંગ કરતા અન્ય વાહનચાલકો પાસેથી રૂ. 15,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.

જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી વાહનો દ્વારા નિયમ વિરુદ્ધ મુસાફરોની હેરાફેરી કરવામાં આવતી હોવાની ફરિયાદોને પગલે ટ્રાફિક પોલીસ અને એસ.ટી. વિભાગની ટીમે સંયુક્ત ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ તપાસ ઝુંબેશ દરમિયાન જે વિસ્તારોમાં મુસાફરોની સતત અવરજવર રહે છે તેવા સુભાષબ્રિજ, ગુલાબનગર બસ ડેપો પાસે, ખીજડિયા બાયપાસ, જાંબુડા પાટિયા અને સાત રસ્તા સર્કલ સહિતના સ્થળોએ પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તંત્રની આ સંયુક્ત કામગીરી દરમિયાન પરમિટના નિયમોનો ભંગ કરીને મુસાફરોની હેરાફેરી કરતા 13 ઇકો કાર અને 7 ખાનગી લક્ઝરી બસ મળીને કુલ 20 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટ્રાફિક અને પરમિટના નિયમોનું ઉલ્લંઘન કરનારા અન્ય વાહનચાલકો સામે પણ મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત સ્થળ પર જ રૂ. 15,500નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

પોલીસ અને એસ.ટી. તંત્ર દ્વારા શહેરના મુખ્ય પોઈન્ટ્સ પર એકસાથે હાથ ધરવામાં આવેલી આ સઘન તપાસ અને કડક દંડાત્મક કાર્યવાહીના કારણે નિયમોનો ભંગ કરીને ગેરકાયદે રીતે મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ડ્રાઇવ યથાવત રાખવામાં આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande