જામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીનો પર્દાફાશ, ફાયર બ્રિગેડે 16 જેટલી મહાકાય જાળ કબજે કરી
રાત્રિના અંધારામાં 50 ફૂટથી લાંબી જાળ બિછાવી માછલા પકડવાનું કૌભાંડ ઝડપાયું, તંત્ર દ્વારા કબજે કરેલી જાળનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ જામનગર, 28 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના મુખ્ય જળસ્ત્રોત રણજીતસાગર ડેમમાં રાત્રિના સમયે ચાલતી ગેરકાયદે મા
રણજીત સાગર ડેમ પર ગેરકાયદે માછીમારી


- રાત્રિના અંધારામાં 50 ફૂટથી લાંબી જાળ બિછાવી માછલા પકડવાનું કૌભાંડ ઝડપાયું, તંત્ર દ્વારા કબજે કરેલી જાળનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

જામનગર, 28 નવેમ્બર (હિ.સ.) :

જામનગર શહેરના મુખ્ય જળસ્ત્રોત રણજીતસાગર ડેમમાં રાત્રિના સમયે ચાલતી ગેરકાયદે માછીમારીની પ્રવૃત્તિ સામે ફાયર બ્રિગેડે લાલ આંખ કરી છે. છેલ્લા બે દિવસથી ડેમના પાણીમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન 50 ફૂટથી પણ વધુ લંબાઈની 16 જેટલી માછીમારીની જાળ બહાર કાઢી જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ડેમમાં અનધિકૃત રીતે માછલા પકડતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં છેલ્લા ઘણા સમયથી અમુક તત્વો દ્વારા બેફામ અને ગેરકાયદે માછીમારી કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડેમના પાણીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સતત બે દિવસ સુધી ચાલેલી આ કામગીરીમાં પાણીની અંદર બિછાવવામાં આવેલી 16 જેટલી જાળ મળી આવી હતી, જેને જવાનોએ ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢીને કબજે કરી છે.

ડેમમાંથી બહાર કાઢવામાં આવેલી આ જાળની લંબાઈ અંદાજે 50 ફૂટથી પણ વધારે હોવાનું જણાયું છે. આટલી મોટી સંખ્યામાં અને વિશાળ કદની જાળ જોઈને ખુદ ફાયર બ્રિગેડના જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કેટલાક માછીમારો અને અસામાજિક તત્વો રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને ડેમમાં જાળ નાખતા હતા અને મોટા પાયે માછલાઓનો શિકાર કરીને લઈ જતા હતા. હાલ ફાયર બ્રિગેડ દ્વારા જપ્ત કરાયેલી તમામ જાળને ડેમના કિનારે લાવીને સળગાવી દેવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

શહેરની જીવાદોરી સમાન ડેમના પાણીમાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિથી જળચર જીવોની સાથે પાણીની શુદ્ધતા સામે પણ જોખમ ઊભું થાય છે. ફાયર વિભાગની આ સઘન કામગીરીને પગલે ગેરકાયદે માછીમારી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ ડેમ વિસ્તારમાં તંત્ર દ્વારા સતત નિરીક્ષણ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે તેવી શક્યતા છે, જેથી આ પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે લગામ લગાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande