
ભાવનગર, 28 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવવા અને માર્ગ સલામતીના પગલાં વધુ અસરકારક બનાવવા આજે તા. 28 નવેમ્બરના રોજ વિવિધ રોડ એજન્સીઓના અધિકારીઓ દ્વારા અકસ્માત સંભવિત બ્લેકસ્પોટ સ્થળોની સંયુક્ત મુલાકાત લેવામાં આવી હતી.
આ વિઝિટમાં RTO ભાવનગર, NHAI, નેશનલ હાઈવે ભાવનગર ડિવિઝન, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના સ્ટેટ હાઈવે તથા જિલ્લા હાઈવે વિભાગ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ જોડાયા હતા.
સંયુક્ત ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના સર્વોત્તમ ડેરી, સિહોર, નારી ચોકડીથી કોમલ હોટલ સુધીનો માર્ગ, દશનાળા ચોકડી તેમજ માઢિયા ઓવરબ્રિજ સહિતના અકસ્માત સંભવિત સ્થળોની મુલાકાત લઈ માર્ગની સ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થા અને અકસ્માત નિવારણ માટે જરૂરી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન સંબંધિત સ્થળોએ અકસ્માત નિવારવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ માર્ગ કામગીરીમાં જરૂરી સુધારા, વધારાના સુરક્ષાત્મક પગલાં, ટ્રાફિક નિયંત્રણ અને માર્ગ સલામતીનાં ઉપાયો અંગે વિવિધ એજન્સીઓ વચ્ચે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગો દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA