
- વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી દિશાનિર્દેશો આપતા જિલ્લા કલેકટર.
જૂનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષસ્થાને આજે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરએ ખાસ વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ શહેર તથા જિલ્લાના માર્ગો પર આવેલા સ્પીડ બ્રેકર પહેલાં થર્મોપ્લાસ્ટ માર્કિંગ કરવા સૂચના આપી હતી, જેથી વાહનચાલકોને આગળ સ્પીડ બ્રેકર હોવાનો અગાઉથી સ્પષ્ટ સંકેત મળી રહે અને સંભવિત અકસ્માતો ટાળી શકાય. માર્ગ મરામતની કામગીરી દરમિયાન પણ અકસ્માત ન સર્જાય તે માટે યોગ્ય રીતે બેરીકેડિંગ કરવા તેમજ રાત્રિના સમયે વાહનચાલકોને દૂરથી દેખાય તેવાં રિફ્લેક્ટર લગાવવા ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત નેશનલ હાઈવે પર હેલ્પલાઇન નંબર 1033 સહિતના સાઈન બોર્ડ લગાવવા માટે પણ સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરએ શહેર અને જિલ્લાના માર્ગોની સમીક્ષા કરતા સંલગ્ન અધિકારીઓને માર્ગ સલામતીની દ્રષ્ટિએ જરૂરી પગલાં લેવા માટે પોતાના હસ્તકના રોડનો સર્વે હાથ ધરી તેનો અહેવાલ સુપ્રત માટે પણ નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને માર્ગો પરના સ્પીડ બ્રેકરની યોગ્ય આકાર અને રચના જળવાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.
માર્ગ અકસ્માતનો ભોગ બનનારને પીએમ રાહતવીર યોજનાનો લાભ સરળતાપૂર્વક મળે તે માટે પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, એઆરટીઓ જે. જે. ચુડાસમા સહિત નેશનલ હાઈવે, માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ