કાળા મગના પાકમાં પીળી નસોના રોગના અસરકારક વ્યવસ્થાપન અંગે ખેડૂતો જોગ સંદેશ
જૂનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં હાલ કાળા મગના પાકમાં પીળી નસોના રોગ (Yellow Mosaic Virus - YMV) નો ઉપદ્રવ જોવા મળેલ છે. આ રોગ વાયરસથી થાય છે અને મુખ્યત્વે ''સફેદ માખી'' દ્વારા એક છોડથી બીજા છોડમાં ઝડપથી ફેલાય છે. આ રોગ
કાળા મગના પાકમાં પીળી નસોના રોગના અસરકારક વ્યવસ્થાપન અંગે ખેડૂતો જોગ સંદેશ


જૂનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં હાલ કાળા મગના પાકમાં પીળી નસોના રોગ (Yellow Mosaic Virus - YMV) નો ઉપદ્રવ જોવા મળેલ છે. આ રોગ વાયરસથી થાય છે અને મુખ્યત્વે 'સફેદ માખી' દ્વારા એક છોડથી બીજા છોડમાં ઝડપથી ફેલાય છે. આ રોગની શરૂઆતમાં પાન પર પીળી નસો અને સોનેરી પટ્ટા પડે છે, જેના પરિણામે છોડનો વિકાસ અટકી જાય છે, શીંગો બેડોળ બને છે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે.

આ રોગના નિવારણ અને નિયંત્રણ માટે ખેડૂતોએ આગોતરા પગલાં રૂપે ગુજરાત મગ-૪ અને ૫ જેવી રોગ પ્રતિરોધક જાતોનું વાવેતર કરવું તથા વાવણી પહેલાં બિયારણને ઈમિડાક્લોપ્રિડનો પટ આપવો. ઊભા પાકમાં ખેતરના વ્યવસ્થાપન માટે એકર દીઠ ૨૦ થી ૨૫ પીળા ચીકણા ટ્રેપ લગાવવા અને રોગની શરૂઆતની અવસ્થાએ જ રોગિષ્ટ છોડને ઉપાડીને તેનો તાત્કાલિક નાશ કરવો જરૂરી છે. રોગનો ફેલાવો અટકાવવા સફેદ માખી અને મોલો-મશીના રાસાયણિક નિયંત્રણ માટે ૧૫ લિટર પાણીના પંપમાં ઈમિડાક્લોપ્રિડ (૧૭.૮ SL) - ૫ મિલી અથવા ડાયફેન્થિયુરોન (૫૦ WP) - ૨૦ ગ્રામ અથવા એસિટામિપ્રિડ (૨૦ SP) - ૫ ગ્રામ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો. દવાના વપરાશ વખતે તેના લેબલ પર દર્શાવેલ જે-તે પાક, રોગ/જીવાત અને ભલામણ કરેલ ડોઝ મુજબ જ ઉપયોગ કરવાનો રહેશે.

આ અંગે વધુ જાણકારી અને માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ/તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande