જૂનાગઢ ખાતે ‘પા પા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘ભૂલકા મેળો-2026’ યોજાયો
આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ નહીં, પરંતુ સંસ્કાર અને પ્રારંભિક શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રો બન્યા છે: જિલ્લા પંચાયત પ્રમુખ જૂનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત આઇસીડીએસ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા
જૂનાગઢ ખાતે ‘પા પા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત


- આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ નહીં, પરંતુ સંસ્કાર અને પ્રારંભિક શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રો બન્યા છે: જિલ્લા પંચાયત પ્રમુખ

જૂનાગઢ, 28 નવેમ્બર (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત આઇસીડીએસ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા બાળકોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને મૂલ્યાંકન થાય સાથે સાથે વાલીઓને માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આપવા બાળકોને ઉછેરમાં ભૂમિકા વધારવા અને જનજાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા કક્ષાના ભૂલકા મેળા વર્ષ ૨૦૨૬નું આયોજન આજ રોજ સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કરાયું હતું.

આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો માતા-પિતા તેમજ બાળકોના કલ્યાણ અને તેમને એકત્રિત કરીને એક સ્થળેથી જ તમામ માહિતી આપવાના હેતુસર સમગ્ર આયોજન થયું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી એ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, બાળકનું ઘડતર કે તેના ઉજવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. અને તે આપણા દેશનો ઉજવળ ભવિષ્યનો મજબૂત પાયો બનશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સશક્ત અને કુપોષણ મુક્ત ભારત અને ગુજરાત અભિયાન આ સપનાને સાકાર કરવા માટે બાળકને નાનપણથી જ તેનો સર્વાંગી વિકાસને રમત ગમત સાથે આનંદમયપૂર્વક પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે ખૂબ જરૂરી કહેવામાં આવ્યું છે.

આ પ્રકારના કાર્યક્રમ થકી બાળકનો શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસ તેમજ મૂલ્યાંકન અને વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પરથી જનજાગૃતિ વધે છે. આજના સમયમાં આંગણવાડી કેન્દ્ર હવે માત્ર પોષણની થાળી પૂરતા સીમિત રહ્યા નથી. પરંતુ આપણા માસુમ બાળકોના પ્રારંભિક શિક્ષણ અને સંસ્કાર ઘડતરના શ્રેષ્ઠ કેન્દ્રો બન્યા છે. આ આંગણવાડી કેન્દ્રો અને તેના બહેનો આજે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે અને દેશના પુત્ર નાગરિકોને તૈયાર કરી રહ્યા છે.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે બાળકના ઉછેરમાં માતા-પિતા આંગણવાડીના બહેનો તેડાગર બહેનો જિલ્લા વહીવટી તંત્ર અને સમગ્ર સમાજની ભૂમિકા ખૂબ મહત્વની છે. બાળક ઘરના આંગણેથી પા પા પગલી કરતું જ્યારે આંગણવાડીમાં પોતાનું પહેલું કદમ ભરે છે ત્યારે તેની જિજ્ઞાસા અને નવું શીખવાની વૃતિને યોગ્ય દિશા આપવાની જવાબદારી આપણા સૌની રહેલી છે. આ માટે જૂનાગઢ જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર હંમેશા જન કલ્યાણ શિક્ષણ ગ્રામીણ વિકાસ અને બાળકોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. આપણી આંગણવાડીની બહેનો બાળકોના કુપોષણ સામેની લડાઈમાં પાયાની તાકાત બનીને આજે ઉભરી આવી છે. તેથી આપણે સૌ સાથે મળીને જૂનાગઢ જિલ્લાના દરેક બાળકને સારું શિક્ષણ સારા સંસ્કાર અને તંદુરસ્ત જીવન અને શરીરનો સંકલ્પ કરાવીએ તે ખૂબ જરૂરી છે.

કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો દ્વારા વિવિધ અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ તેમને મંચસ્થ મહેમાનો દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે ટીએલએમ પ્રોજેક્ટ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને નવું નવું શીખવા મળે તેવી શૈક્ષણિક સાધન સામગ્રી સાધનો અને રમતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ તેમાં વિજેતા બનેલા પ્રથમ ત્રણ કૃતિઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં પણ આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ કર્યું હતું. આ બાળમેળામાં બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ મૂલ્યાંકન ઉપરાંત બાળકોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ, પ્રી-સ્કુલ ઇન્સ્ટ્રકટર દ્વારા ૩ થી ૬ વર્ષના બાળકોમાં જિજ્ઞાસા અને વિજ્ઞાન પ્રત્યે રસ કેળવતા સરળ પ્રયોગોનું નિદર્શન તથા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્થાનિક સાધનોમાંથી તૈયાર કરાયેલા શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન યોજાયું હતું. આ વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો, વાલીઓ, આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો, વિભાગીય અધિકારીઓ-કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં આભારવિધિ મેંદરડા બાળ વિકાસ યોજના અધિકારી કાજલબેન જોશીએ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. દિલીપ પાનેરા, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ વનીતાબેન વાસણ તેમજ સ્પર્ધાના નિર્ણાંયકો, વાલીઓ, બાળકો, લાભાર્થીઓ અને આંગણવાડીના કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande