




કચ્છ, 28 નવેમ્બર (હિ.સ.) : કચ્છના બન્ની વિસ્તારમાં કુદરતની નારાજગી હવે માલધારીઓ માટે આજીવિકાનું સંકટ બની ગઈ છે. વરસાદની અછત અને ઘાસચારા-પાણીની ગંભીર તંગીએ સરાડા જૂથ ગ્રામ પંચાયત સહિત આસપાસના વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ સર્જી છે. એક સમયે માલધારીઓના પશુધનના અવાજ અને ગ્રામજીવનની ચહલપહલથી જીવંત રહેતા ગામડાંઓમાં આજે નિરાશા અને નીરવ શાંતિ જોવા મળી રહી છે. પેટિયું રળવા અને અબોલ પશુઓનો જીવ બચાવવા માલધારીઓને પોતાના વતનથી દૂર ગુજરાતના અન્ય વિસ્તારો તરફ હિજરત કરવાની નોબત આવી છે.
સરાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જત ફકીર મામદભાઈ પુનરાના જણાવ્યા અનુસાર, પંચાયત વિસ્તારમાં અંદાજે 5 હજાર લોકોની વસ્તી, 1,300થી 1,400 જેટલા મતદારો અને આશરે 725 ઘરો આવેલાં છે. આટલી મોટી વસ્તી ધરાવતા વિસ્તારમાં હાલ અનેક પરિવારો સ્થળાંતર કરી રહ્યા હોવાથી ગામડાંઓની રોનક ઓસરવા લાગી છે. અનેક મકાનોને તાળાં લાગી ગયાં છે તો માલધારીઓના વાડા પણ પશુધન વિના ખાલી થઈ ગયા છે.
જત અબુબકરભાઈ લૈયારીના જણાવ્યા મુજબ સરાડા અને આસપાસના ગામોમાં અંદાજે 15થી 16 હજાર જેટલું પશુધન છે. પરંતુ ઘાસચારો ઉપલબ્ધ ન હોવા અને પાણીની વિકટ સમસ્યાને કારણે પશુઓનું પાલન કરવું મુશ્કેલ બન્યું છે. પશુધન જ માલધારી પરિવારોની સંપત્તિ અને જીવનનિર્વાહનું મુખ્ય સાધન હોવાથી તેમને બચાવવા માટે પરિવારો સ્થળાંતરનો કઠિન નિર્ણય લઈ રહ્યા છે.
હાલ બન્ની વિસ્તારમાંથી ભેંસો અને અન્ય પશુધનને ટ્રકોમાં ભરીને ગુજરાતના અન્ય વિસ્તારો તરફ લઈ જતાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આર્થિક નુકસાનની ચિંતા સાથે વતન છોડવાની વેદના પણ માલધારીઓને સતાવી રહી છે. આ સ્થળાંતરની અસર દૂધના વ્યવસાય પર પણ પડી છે. પશુધનની સંખ્યા ઘટતાં સરહદ ડેરી અને માહી ડેરીમાં દૂધની આવકમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ પરિસ્થિતિ વચ્ચે માલધારી પરિવારોની નજર હવે સરકાર તરફ મંડાઈ છે. પશુધનને બચાવવા માટે તાત્કાલિક ઘાસચારા ડેપો શરૂ કરવામાં આવે, પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. સવાલ માત્ર માલધારીઓની હિજરતનો નથી, પરંતુ કચ્છની પરંપરાગત પશુપાલન આધારિત આજીવિકા અને ગ્રામ્ય અર્થતંત્રને બચાવવાનો પણ છે. સમયસર સહાય નહીં મળે તો બન્નીના અનેક ગામડાંઓમાંથી માલધારીઓની હિજરત વધુ વેગ પકડે તેવી ભીતિ સેવાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar