



કચ્છના દર્દીઓ માટે આરોગ્યક્ષેત્રે મોટી રાહત: જી.કે. જનરલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનથી લઈને કેન્સર નિષ્ણાતો સુધીની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ, 1,254 લેબોરેટરી ટેસ્ટ અને 642 રેડિયોલોજી તપાસ કરવામાં આવી
કચ્છ, 28 નવેમ્બર (હિ.સ.) : કચ્છના નાગરિકોને અદ્યતન અને નિષ્ણાત તબીબી સેવાઓ તેમના જ જિલ્લામાં ઉપલબ્ધ થાય તેવા હેતુથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે શનિવારે (28 નવેમ્બર) એઈમ્સ રાજકોટ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશાળ નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા. એક જ સ્થળે વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની સલાહ, તપાસ અને વિનામૂલ્યે દવાઓની સુવિધા મળતાં કુલ 1,935 નાગરિકોએ તેનો લાભ લીધો હતો.
કેમ્પના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એઈમ્સ રાજકોટના સભ્ય અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલી રાજકોટ એઈમ્સ આરોગ્યક્ષેત્રે સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરિકો માટે આશાનું નવું કેન્દ્ર બની છે. અહીં ઉપલબ્ધ આધુનિક તબીબી સુવિધાઓનો જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લેવો જોઈએ. આવનારા સમયમાં રાજકોટ એઈમ્સની સુવિધાઓનો વ્યાપ વધતાં ગંભીર બીમારીઓની સારવાર માટે દિલ્હી કે મુંબઈ સુધી જવાની જરૂરિયાત ઘટશે.
કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ આ કેમ્પને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્યો હતો. જ્યારે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કેમ્પને ઐતિહાસિક ગણાવી લોકોને એઈમ્સ રાજકોટની ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
કેમ્પમાં ન્યુરોસર્જરી, યુરોલોજી, કેન્સર, જનરલ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ફેફસાં, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, આંખ, કાન-નાક-ગળા, દાંત અને હાડકાં સહિત 19 જેટલા વિભાગોના નિષ્ણાત તબીબોએ દર્દીઓની તપાસ કરી હતી. આ ઉપરાંત ફિઝિયોથેરાપી, ડાયેટિશિયન, આયુર્વેદ અને હોમિયોપેથીની સેવાઓ પણ ઉપલબ્ધ કરાઈ હતી.
આરોગ્ય તપાસના આંકડા મુજબ કેમ્પ દરમિયાન સેન્ટ્રલ લેબોરેટરીમાં 1,254 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે રેડિયોલોજી વિભાગમાં 642 તપાસ થઈ હતી. તેમાં 449 એક્સ-રે, 130 સોનોગ્રાફી, 36 એમઆરઆઈ, 15 સીટી સ્કેન અને 12 ડોપ્લર તપાસનો સમાવેશ થાય છે.
કેમ્પમાં રજિસ્ટ્રેશનથી લઈને નિદાન, માર્ગદર્શન અને દવાઓના વિતરણ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનથી કચ્છના દર્દીઓને અદ્યતન આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar