કચ્છમાં મતદાન મથકોની સંખ્યામાં મોટો ફેરફાર! 6 વિધાનસભા બેઠકોમાં 71 બૂથ મર્જ, હવે કુલ 1,946 મતદાન મથકો
નવા મતદારો માટે ફોર્મ-6 ભરવાની તક. કચ્છ, 28 નવેમ્બર (હિ.સ.) : આગામી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના મતદારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા 1 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદ
ભુજ મતદાર યાદી


ભુજ મતદાર યાદી


- નવા મતદારો માટે ફોર્મ-6 ભરવાની તક.

કચ્છ, 28 નવેમ્બર (હિ.સ.) : આગામી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના મતદારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા 1 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે એસ.આઈ.આર. બાદ મતદારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આવેલા છ વિધાનસભા મતવિભાગોના મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા મુજબ અગાઉના 2,012 મતદાન મથકોની સંખ્યા ઘટીને હવે 1,946 થઈ છે. આ નવી યાદીની આખરી પ્રસિદ્ધિ 25 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવી હતી.

ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર અબડાસા વિધાનસભા મતવિભાગમાં અગાઉના 397 મતદાન મથકોમાંથી 16 મથકોનું મર્જર અને એક નવા મથકની રચના થતાં હવે કુલ 382 મતદાન મથકો રહેશે. માંડવીમાં 318માંથી 16 મથકોના ઘટાડા સાથે સંખ્યા 302 થઈ છે. મુન્દ્રા વિધાનસભા મતવિભાગમાં બે નવા મથકો ઉમેરાયા છે અને બે મથકો મર્જ થતાં સંખ્યા 336 યથાવત રહી છે. અંજારમાં 313માંથી બે નવા મથકો ઉમેરાયા અને 14 મથકો મર્જ થતાં હવે 301 મતદાન મથકો રહેશે. ગાંધીધામમાં 336માંથી 18 મથકો ઘટીને 318 થયા છે, જ્યારે રાપરમાં 312માંથી પાંચ મથકોના ઘટાડા બાદ હવે 307 મતદાન મથકો કાર્યરત રહેશે.

દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 27 નવેમ્બર, 2026ના રોજ મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ મુસદ્દો જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની કચેરીઓ ઉપરાંત સંબંધિત મતદાન મથકો પર જાહેર જનતાના અવલોકન માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ નવી મતદાન મથકોની યાદી અને મતદારયાદીના મુસદ્દાની નકલો આપવામાં આવી છે.

મતદારયાદીમાં નામ ઉમેરવા, સુધારો કરાવવા કે વાંધા રજૂ કરવા માટે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ કામગીરીને વધુ સરળ બનાવવા માટે 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરના રવિવારે જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે. આ ત્રણેય દિવસ દરમિયાન સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર (BLO) ઉપસ્થિત રહી અરજીઓ સ્વીકારશે.

ખાસ કરીને 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે મતદાર બનવાની આ મહત્વપૂર્ણ તક છે. આ ઉપરાંત 2027ની આગામી લાયકાતની તારીખો 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના સંદર્ભમાં મતદાર બનવા પાત્ર થનારા યુવાનો પણ અગાઉથી ફોર્મ નંબર-6 ભરીને અરજી કરી શકશે.

તમામ હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ 11 જાન્યુઆરી, 2027 સુધીમાં કરવામાં આવશે અને ત્યારબાદ 18 જાન્યુઆરી, 2027ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. વધુમાં વધુ નાગરિકો મતદારયાદી ચકાસી પોતાનું નામ, સરનામું અને અન્ય વિગતોની ખાતરી કરે તથા પાત્ર યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવે તેવી અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande