




કચ્છ, 28 નવેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના ઢોરા ગામ નજીક ફરી એકવાર માર્ગ અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ટ્રેલર અને મોપેડ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે શિક્ષિકાઓનાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કચ્છમાં એક પછી એક બની રહેલા જીવલેણ અકસ્માતોએ માર્ગ સલામતી અને ભારે વાહનોની અવરજવર સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નખત્રાણા તાલુકાના ઢોરા ગામ નજીક ટ્રેલરની અડફેટે મોપેડ આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મોપેડ પર સવાર બંને શિક્ષિકાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. બે શિક્ષિકાઓના એકસાથે થયેલા કરુણ અવસાનના સમાચાર વાયુવેગે ફેલાતાં સ્થાનિક વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. જોકે, અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ટ્રેલર ચાલકની કોઈ બેદરકારી હતી કે કેમ તે સહિતની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ ઘટનાએ કચ્છના માર્ગો પર વધી રહેલા અકસ્માતોના સિલસિલાને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. કારણ કે હજુ તો ત્રણ દિવસ અગાઉ જ દેશલપર-હાજીપીર માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે તેના થોડા દિવસ અગાઉ ખાવડા-ભુજ માર્ગ પર થયેલા ભયાનક અકસ્માતમાં સાત લોકોનાં મોતથી સમગ્ર કચ્છ હચમચી ગયું હતું. હવે ઢોરા નજીક વધુ બે શિક્ષિકાઓનાં મોતની ઘટનાએ અકસ્માતોની આ વણથંભી હારમાળામાં વધુ બે પરિવારોને કાયમી વેદના આપી છે.
એક જ અઠવાડિયાના સમયગાળામાં કચ્છના વિવિધ માર્ગો પર બનેલી આ ત્રણ મોટી દુર્ઘટનાઓમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના આંકડાએ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. ખાસ કરીને ભારે વાહનોની અવરજવર ધરાવતા માર્ગો પર નાના વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
કચ્છમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, બંદરો અને ખનિજ પરિવહનને કારણે ટ્રેલર, ટ્રક તથા અન્ય ભારે વાહનોની અવરજવર સતત રહે છે. આવા સંજોગોમાં વાહનોની ગતિ, ઓવરટેકિંગ, ટ્રાફિક નિયમોનું પાલન અને ડ્રાઈવરોની જવાબદારી સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. અકસ્માતો બાદ માત્ર શોક વ્યક્ત કરવાથી સ્થિતિ બદલાશે નહીં. જોખમી માર્ગો પર અસરકારક પેટ્રોલિંગ, સ્પીડ નિયંત્રણ અને નિયમભંગ સામે કડક કાર્યવાહી જરૂરી છે. સવાલ એ છે કે કચ્છના માર્ગો પર નિર્દોષ નાગરિકોના જીવ જતાં અટકાવવા તંત્ર ક્યારે સઘન અને પરિણામલક્ષી પગલાં ભરશે? દર અકસ્માત પછી ઊઠતા સવાલોનો જવાબ હવે નક્કર કાર્યવાહી દ્વારા આપવાનો સમય આવી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar