


- અન્ય જોખમી વિસ્તારોમાં પણ બમ્પ મૂકવાની ઉઠી માંગ.
કચ્છ, 28 નવેમ્બર (હિ.સ.) : નખત્રાણા શહેરમાંથી પસાર થતો મુખ્ય હાઇવે સતત વાહનવ્યવહારથી ધમધમતો રહે છે. શહેરના રહેણાંક વિસ્તારો, બજારો અને જાહેર સ્થળો નજીક વાહનોની વધુ પડતી ઝડપ રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહી છે. ખાસ કરીને પોલીસ સ્ટેશન નજીક તાજેતરમાં બનેલી અકસ્માતની ઘટનામાં આધેડે જીવ ગુમાવતાં માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે પોતાના સ્ટેશન નજીક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી હાથ ધરી છે.
કચ્છમાં અકસ્માતોની ગંભીરતા કેટલી વધી રહી છે તેનો અંદાજ હાજીપીર રોડ પર બનેલી દુર્ઘટનાઓ પરથી લગાવી શકાય છે. આ માર્ગ પર ટૂંકા ગાળામાં ઉપરાઉપરી અકસ્માતોમાં છ જેટલી માનવ જિંદગીઓ હોમાઈ જવાની કરુણ ઘટનાઓ સામે આવી છે. આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન નખત્રાણાના મુખ્ય હાઇવે પર ન થાય તે માટે સમયસર તકેદારી રાખવી અત્યંત જરૂરી બની છે.
જોકે માત્ર પોલીસ સ્ટેશન નજીક સ્પીડ બ્રેકર બનાવવાથી સમગ્ર શહેરમાં માર્ગ સલામતીનો પ્રશ્ન ઉકેલાશે નહીં. નખત્રાણા બસ સ્ટેશન, વથાણ ચોક, સુપર માર્કેટ અને કન્યાશાળા જેવા વિસ્તારોમાં પણ વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી અહીં સ્પીડ બ્રેકર બનાવવાની તાતી જરૂરિયાત છે. આ ઉપરાંત નવાનગર એસ.ટી. વર્કશોપ પાસે પણ વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે બમ્પ મૂકવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.
શહેરમાં શાળાએ જતાં બાળકો, બજારમાં ખરીદી માટે આવતા નાગરિકો અને રસ્તો ઓળંગતા રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. સ્પીડ બ્રેકરની સાથે જોખમી સ્થળોએ યોગ્ય સાઇનેજ, રોડ માર્કિંગ અને ગતિમર્યાદાના અમલ પર પણ ધ્યાન આપવું જોઈએ. પોલીસની આ પહેલ આવકારદાયક છે, પરંતુ નખત્રાણાના અન્ય જોખમી સ્થળોએ પણ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો અનેક સંભવિત અકસ્માતો અટકાવી શકાય તેમ છે. કારણ કે રસ્તા પર થોડી ક્ષણોની ઉતાવળ કોઈ પરિવાર માટે આખી જિંદગીનું દુઃખ બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar