

- કચ્છના સરહદી અબડાસા તાલુકામાં ગેરકાયદેસર દબાણો સામે પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી
કચ્છ, 28 નવેમ્બર (હિ.સ.) : કચ્છના સરહદી વિસ્તારોમાં સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો સામે હવે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સરહદી વિસ્તારની સુરક્ષા અને સરકારી મિલકતોના રક્ષણને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્ત્વો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ જ દિશામાં વાયોર પોલીસ દ્વારા સરકારી જમીન પરના દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નલિયા વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક મનિષા દેસાઈની દેખરેખમાં વાયોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બારોટ દ્વારા વાયોર ગામની સીમમાં આવેલી બીબીમાની દરગાહની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ અંગે કાર્યવાહી માટે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ અહેવાલના આધારે 28 નવેમ્બર, 2026ના રોજ વાયોર પોલીસ, માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા અબડાસા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સરકારી જમીન પર કરવામાં આવેલું અંદાજે 220 ચોરસ મીટરનું બાંધકામ દૂર કરી જમીનને દબાણમુક્ત કરાવવામાં આવી હતી.
તંત્ર દ્વારા કરવામાં આવેલા આંકલન મુજબ દૂર કરવામાં આવેલા બાંધકામની અંદાજિત બજાર કિંમત રૂ.3.50 લાખ જ્યારે જમીનની કિંમત આશરે રૂ.6 લાખ થવા જાય છે. આમ, કુલ રૂ.9.50 લાખની કિંમતની સરકારી મિલકતને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરાવવામાં આવી છે.
સરહદી વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સરકારી જમીનો પરના ગેરકાયદેસર કબજાઓ સામે તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વાયોર પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની સંકલિત કામગીરીથી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં સફળતા મળી છે. આ કાર્યવાહી દ્વારા સરકારી મિલકતો પરના ગેરકાયદેસર દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તંત્રની પ્રતિબદ્ધતા પણ સ્પષ્ટ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar