
ગાંધીનગર, 28 નવેમ્બર (હિ.સ.) : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “હિંદી કાર્યશાળા”નું આયોજન તા.27 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાના મુખ્ય મહેમાનપદે આકાશવાણી-અમદાવાદના સ્ટેશન હેડ એન.એલ. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 'હિંદી પખવાડા-2026' દરમિયાન યોજાયેલી હિંદી સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ પણ વિતરણ કર્યું હતું. નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યશાળાના મંચસ્થ મહાનુભાવોમાં આકાશવાણીના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ શ્રીમતી દીપશિખા દુર્ગાપાલ અને NFSUના કાર્યકારી કુલપતિ, પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેનો સમાવેશ થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતના બંધારણની પ્રસ્તાવનાનું પણ સામૂહિક રીતે પઠન કર્યું હતું.
હિંદી કાર્યશાળાના મુખ્ય અતિથિ, આકાશવાણી, અમદાવાદના સ્ટેશન હેડ અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન.એલ. ચૌહાણએ જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્રની ઓળખ તેની ભાષા અને સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે. ફોરેન્સિક વિજ્ઞાનને સમર્પિત વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી, NFSU ખાતે આયોજિત હિંદી કાર્યશાળા અત્યંત પ્રેરણાદાયી બની રહે. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાષા અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. પ્રસાર ભારતીના બે મહત્વપૂર્ણ અંગ - આકાશવાણી અને દૂરદર્શન - બંનેએ સમગ્ર ભારતમાં હિંદી ભાષાના પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આકાશવાણીના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ દીપશિખા દુર્ગાપાલે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ હિંદી ભાષાનું મહત્વ ભારત અને વિદેશમાં પણ વધ્યું છે. જે આપણા માટે ગૌરવની બાબત છે. હિંદી ભાષા એ આપણને આપણી સંસ્કૃતિ સાથે જોડે છે.
NFSUના કાર્યકારી કુલપતિ, પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતું કે સરકારે હિંદીના સંરક્ષણ, પ્રોત્સાહન અને પ્રચાર માટે સમયાંતરે અનેક અસરકારક નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકી છે, જેણે હિંદીને રાજભાષા તરીકે પ્રસ્થાપિત કરી છે. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં હિંદીના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી તેની વ્યવહારિક ઉપયોગિતા અને વ્યાપમાં સતત વધારો થયો છે. સરકારી પ્રયાસો અને આકાશવાણી જેવા સમૂહ માધ્યમના સંયુક્ત પ્રભાવ દ્વારા હિંદી ભાષા રાષ્ટ્રીય અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક ચેતનાનું શક્તિશાળી માધ્યમ બની છે.
હિંદી કાર્યશાળા દરમિયાન ગાંધીનગરના નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિના સચિવ સર્વેશ તિવારી; NFSUના રાજભાષા અધિકારી વી.કે. પાંડે અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ