
- કેટલાક કોચની સંખ્યામાં પણ કામચલાઉ ઘટાડો કરાશે.
ભાવનગર, 28 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના પોરબંદર રેલવે સ્ટેશન યાર્ડમાં હાલની પિટ લાઇનના પુનર્નિર્માણ તેમજ આશરે 300 મીટર લાંબી જૂની પિટ લાઇનને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી માટે 105 દિવસનો ટ્રાફિક બ્લોક (TWO) પ્રસ્તાવિત છે. આને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19016/19015 પોરબંદર–દાદર એક્સપ્રેસની પ્રાથમિક જાળવણી (Primary Maintenance) વ્યવસ્થામાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ ફેરફાર હેઠળ ટ્રેન નંબર 19016/19015ની પ્રાથમિક જાળવણી પોરબંદરના બદલે મુંબઈ સેન્ટ્રલ (MMCT) ખાતે કરવામાં આવશે. આ વ્યવસ્થા 01 ફેબ્રુઆરી, 2027થી આગામી સૂચના ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે.
આ ઉપરાંત, મુંબઈ સેન્ટ્રલ ખાતે રેક ઊભો રાખવા માટે મર્યાદિત જગ્યા ઉપલબ્ધ હોવાને કારણે ટ્રેન નંબર 19016/19015ની કોચ રચનામાં પણ કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ટ્રેનમાં કુલ ચાર કોચ ઘટાડવામાં આવશે. સુધારેલી કોચ રચના સાથે ટ્રેન નંબર 19015 દાદરથી 02 ફેબ્રુઆરી, 2027થી અને ટ્રેન નંબર 19016 પોરબંદરથી 03 ફેબ્રુઆરી, 2027થી આગામી સૂચના ન મળે ત્યાં સુધી ચલાવવામાં આવશે.
આ ટ્રેનમાંથી બે સ્લીપર શ્રેણીના કોચ, એક થર્ડ એસી શ્રેણીનો કોચ અને એક ફર્સ્ટ કમ સેકન્ડ એસી શ્રેણીનો કોચ કામચલાઉ ધોરણે કમ કરવામાં આવશે.
પોરબંદર યાર્ડમાં પિટ લાઇનના પુનર્નિર્માણની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કામચલાઉ વ્યવસ્થા અમલમાં રહેશે અને કામગીરી પૂર્ણ થયા બાદ અગાઉની જાળવણી તથા કોચ રચનાની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવશે.
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે આ ટ્રેનમાં મુસાફરીનું આયોજન કરતી વખતે સુધારેલી કોચ રચના તથા અમલી તારીખોનું ખાસ ધ્યાન રાખે અને મુસાફરી સંબંધિત નવીનતમ માહિતી મેળવ્યા બાદ જ પોતાની મુસાફરી સુનિશ્ચિત કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ