રંગીલું રાજકોટ રક્તરંજીત : જુના ડખ્ખા અને સામાન્ય બોલાચાલીમાં નવા થોરાળાના ગોકુલપરામાં યુવકની છરી ઝીંકી હત્યા
રાજકોટ, 28 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. નવા થોરાળા વિસ્તારના અવધ પાર્કમાં રહેતો 20 વર્ષનો યુવાન રાતે પોણા અગીયારેક વાગ્યે મિત્રો સાથે ગોકુલપરામાં પાનના ગલ્લે ફાકી ખાવા ઉભો હતો તે વખતે જૂના મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ
રાજકોટમાં યુવકની હત્યા


રાજકોટ, 28 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. નવા થોરાળા વિસ્તારના અવધ પાર્કમાં રહેતો 20 વર્ષનો યુવાન રાતે પોણા અગીયારેક વાગ્યે મિત્રો સાથે ગોકુલપરામાં પાનના ગલ્લે ફાકી ખાવા ઉભો હતો તે વખતે જૂના મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ આવી ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યા બાદ છરીનો એક ઘા મારી દેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

નવા થોરાળા અવધ પાર્ક શેરી નં. ૪ બાલાજી પ્રોવિઝનવાળી શેરીમાં ખીમજીભાઇ સોલંકીના મકાનમાં ભાડેથી રહેતા જયેશ મુકેશભાઇ ચાવડાના પિતા મુકેશભાઇ જેન્તીભાઇ ચાવડાની ફરિયાદ પરથી થોરાળા પોલીસે નવા થોરાળા શેરી નં. ૨ ગોકુલપરામાં રહેતા ધવલ ઉર્ફે ટકો વિજયભાઇ મકવાણા તથા થોરાળા વિજયનગરમાં રહેતા જયમીન નટુભાઇ ગોહેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદી મુકેશભાઇ અમલ નગર આનંદ બંગલા ચોક પાસે આવેલા કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું છે અને માતા રામુબેન ઘરકામ કરે છે. ફરિયાદીને સંતાનમાં ત્રણ દીકરા છે, જેમાં સૌથી મોટો નિખીલ ચાવડા (૨૧), બીજા નંબરે જયેશ (૨૦) અને સૌથી નાનો હાર્દિક (૧૭) છે, તેમજ પત્નીનું નામ મનિષાબેન છે.

શુક્રવારે તા. ૨૭-૧૧-૨૬ના રાત્રિના આશરે ૧૦.૪૫ વાગ્યાની આસપાસ જયેશ ચાવડા મિત્ર સાથે ઘરેથી બહાર ગયો હતો. તે દરમિયાન મોટા દીકરા નિખીલના મોબાઇલમાં કરણ સરવૈયાનો ફોન આવ્યો હતો અને ભાઈ જયેશને છરી મારી દીધી હોવાની જાણ કરી હતી. આ બાબતની જાણ થતા મુકેશભાઇ અને નિખીલ ગોકુલપરા-૪માં આવેલ સિદ્ધાર્થ પાનના ગલ્લા ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી જાણવા મળ્યું કે જયેશને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવાયો છે. ત્યારબાદ પિતા-પુત્ર સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં પહોંચ્યા હતા અને ઘટનાસ્થળે હાજર મિત્રો પાસેથી સમગ્ર હકીકત મેળવી હતી.

સિવિલ હોસ્પિટલમાં મિત્રોએ આપેલી માહિતી મુજબ જયેશ તેમજ હિમાંશુ સુરેશભાઇ ખીમસુરીયા અને સંજય સહિતના ગોકુલપરા-૪માં હરેશભાઇ પરમારની સિદ્ધાર્થ પાનની કેબીને ફાકી લેવા માટે ઉભા હતા. તે સમયે ત્રણેક મહિના પહેલાં જયેશ સાથે ઝઘડો કરનાર ધવલ વિજયભાઇ મકવાણા તથા જયમીન નટુભાઇ ગોહેલ એક્ટિવા લઇને ત્યાંથી નીકળ્યા હતા અને જયેશને જોઇ જતા એક્ટિવા ઉભું રાખી જૂના ઝઘડાનો ખાર રાખી બોલાચાલી કરવા લાગ્યા હતા. જયેશે બોલાચાલી કરવાની ના પાડતા બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.

મારામારી દરમિયાન ધવલ ઉર્ફે ટકો મકવાણાએ પોતાના નેફામાંથી છરી કાઢી જયેશને ગળાથી નીચે છાતીના ઉપરના ભાગે એક ઘા મારી દીધો હતો. છરીના ઘાથી લોહી નીકળવા લાગતા ધવલ અને જયમીન ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. મિત્રો તાત્કાલિક જયેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ ગંભીર અને જીવલેણ ઇજાના કારણે વહેલી સવારે ટૂંકી સારવાર દરમિયાન જયેશનું મોત નીપજ્યું હતું. મોત બાદ બનાવ હત્યામાં પલટાયો હતો અને થોરાળા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી ધવલ ઉર્ફે ટકો વિજય મકવાણા રાજકોટના કુખ્યાત શામજી મકા મકવાણાનો ભત્રીજો હોવાનું અને અગાઉ ગુજસીટોકમાં પકડાયેલા શામજી મકાના સગામાં થતો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. અગાઉ વાહન સામે આવી જવા બાબતે થયેલી માથાકુટ અને જૂના મનદુઃખનો ખાર રાખી ધવલ અને તેના સાગરીતો અવારનવાર ડખ્ખા કરતા અને ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. બીજી તરફ પોલીસ તપાસમાં મૃતક જયેશ ચાવડા વિરુદ્ધ પણ અગાઉ બે વખત મારામારીના ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં હત્યાના ત્રણ બનાવો અને છરી વડે હુમલાની ઘટનાઓ સામે આવતા પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ પી. આર. રાઠોડ અને નિલેશભાઇ ડામોર સહિતની ટીમે આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે, જ્યારે શહેરમાં છરી સાથે ફરતા શખ્સો સામે કડક ઝુંબેશ ચલાવવાની માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande