



પોરબંદર, 28 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના મોઢવાડા ખાતે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ પૂર્વ તૈયારીઓનું સ્થળ નિરીક્ષણ કર્યું
હતું. આ દરમિયાન તેમણે કાર્યક્રમના સમગ્ર આયોજનની વિસ્તૃત સમીક્ષા કરી સંબંધિત
અધિકારીઓ પાસેથી વિવિધ વ્યવસ્થાઓની પ્રગતિ અંગે વિગતો મેળવી હતી.
મંત્રીએ કાર્યક્રમ સ્થળે સ્ટેજ નિર્માણ, મહાનુભાવો માટેની બેઠક વ્યવસ્થા, ગ્રીન રૂમ, પાર્કિંગ, ટ્રાફિક નિયમન, સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ સહિતની વિવિધ તૈયારીઓનું
ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહેનારા નાગરિકોની સુવિધા,
પીવાના પાણી, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ
વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી
હતી.
આ પ્રસંગે મંત્રીએ તમામ વિભાગો વચ્ચે યોગ્ય
સંકલન જળવાઈ રહે અને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે
અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન
સર્જાય અને મહાનુભાવો તેમજ નાગરિકોને જરૂરી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે
આગોતરું આયોજન, વ્યવસ્થિત અમલીકરણ અને સતત દેખરેખ
રાખવા પણ સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. ડી.
ધાનાણી, જિલ્લા પોલીસ વડા બી. યુ. જાડેજા, અગ્રણી રામદેભાઈ મોઢવાડિયા સહિત વિવિધ
વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya