

- દેશભરની ૭૦૦થી વધુ શાળાઓમાંથી વડોદરા, નવસારી અને આણંદ જિલ્લાની શાળાઓની IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામમાં પસંદગી
ગાંધીનગર, 28 નવેમ્બર (હિ.સ.) : રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓએ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 'IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામ-2026'માં સમગ્ર શિક્ષા-ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવીને સતત સાતમા વર્ષે રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શનની પરંપરા જાળવી રાખી છે. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત 'IGBC ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ-2026'ના ઉદ્ઘાટન સત્રમાં આ પુરસ્કારો ગુજરાતની શાળાઓને એનાયત કરવામાં આવ્યાં હતાં.
'3W - Water, Waste and Well-being' થીમ પર આધારિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી ૭૦૦થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો, જેમાંથી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની 'PM શ્રી રાજપુરા પ્રાથમિક શાળા'એ દ્વિતીય ક્રમ હાંસલ કરીને રૂ. ૨.૭૫ લાખની ગ્રાન્ટ મેળવી છે. તેવી જ રીતે, નવસારીના ખેરગામ તાલુકાની 'જામનપાડા પ્રાથમિક શાળા'એ ચતુર્થ ક્રમ મેળવી રૂ. ૨.૨૫ લાખની ગ્રાન્ટ પ્રાપ્ત કરી છે, જ્યારે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની 'PM શ્રી પોરડા પ્રાથમિક શાળા'એ વિશેષ સન્માન સાથે રૂ. ૨ લાખની ગ્રાન્ટ હાંસલ કરી છે. આમ, ગુજરાતની આ ત્રણેય વિજેતા શાળાઓને કુલ રૂ. ૭ લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં છે.
આ સ્પર્ધા અંતર્ગત દરેક શાળામાંથી ધોરણ ૭ થી ૯ ના ત્રણ વિદ્યાર્થીઓ અને એક માર્ગદર્શક શિક્ષકની ટીમે શાળાને પર્યાવરણલક્ષી અને ટકાઉ બનાવવા માટે જળ સંરક્ષણ, કચરાના યોગ્ય વ્યવસ્થાપન તથા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપતા છ નવીન વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. અંતિમ જ્યુરી રાઉન્ડ માટે પસંદગી પામેલી ૫ વિજેતા શાળાઓના આચાર્યશ્રી અને ત્રણ વિદ્યાર્થીઓને મુંબઈ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રવાસ, નિવાસ અને ભોજન સહિતનો ખર્ચ IGBC દ્વારા કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના પ્રોત્સાહનથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત કરેલી આ ગૌરવપૂર્ણ સિદ્ધિ રાજ્યની શિક્ષણ ક્ષેત્રે પર્યાવરણલક્ષી પહેલો પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ