
- આદિવાસી વિસ્તારના દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને મજૂરો ભારે હાલાકીમાં.
છોટાઉદેપુર, 28 નવેમ્બર (હિ.સ.) : પ્રતાપનગરથી અલીરાજપુર અને જોબટ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનો તેમજ પ્રતાપનગર સ્ટેશનથી ઉપડતી અન્ય ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ અને કોચની તીવ્ર અછતને પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ‘વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલ્ફેર એસોસિએશન’ દ્વારા પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ પત્ર દ્વારા જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી આ રેલ માર્ગ પર મુસાફરોની સંખ્યામાં જંગી વધારો નોંધાયો છે. મુસાફરી સસ્તી અને સુરક્ષિત હોવાથી દૈનિક મુસાફરોનો ધસારો રહે છે, જેના કારણે રેલવેની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ડભોઈથી અલીરાજપુર અને જોબટ સુધીનો વિસ્તાર આદિવાસી બહુલ હોવાથી અહીંના સ્થાનિક નાગરિકો, ગરીબ શ્રમિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને નાના વેપારીઓ રોજગારી અને શિક્ષણ માટે સંપૂર્ણપણે આ પેસેન્જર ટ્રેનો પર નિર્ભર છે.
હાલ ટ્રેનોમાં પૂરતા કોચ ન હોવાથી પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે. મુસાફરોને બેસવાની તો ઠીક, અંદર ઊભા રહેવાની જગ્યા પણ મળતી નથી અને ટ્રેનમાં ચઢવું જોખમી બની ગયું છે. આ અગાઉ પણ તારીખ ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
હજારો દૈનિક મુસાફરોની દયનીય સ્થિતિ અને મુસાફર હિતને ધ્યાને રાખીને પ્રતાપનગર–અલીરાજપુર/જોબટ તથા પ્રતાપનગરથી ઉપડતી તમામ પેસેન્જર ટ્રેનોમાં તાકીદે ૫ થી ૬ વધારાના જનરલ કોચ જોડવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ