

પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR)ના સંયુક્ત ઉપક્રમે શનિવારથી બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. ‘નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ્સની અસર’ વિષય પર યોજાયેલી કોન્ફરન્સમાં દેશભરમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA), ટેક્સ કન્સલ્ટન્ટ્સ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો જોડાયા છે.
ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) કે.સી. પોરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં GST સુધારાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. GST એક ગતિશીલ કરપ્રણાલી છે અને તેના લાભો નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગો સુધી પહોંચે તે જરૂરી છે.
મુખ્ય અતિથિ અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુનિલ મહેતાએ આત્મનિર્ભર ભારતના વિકાસથી સમગ્ર વિશ્વને લાભ થવાની વાત કરી હતી. જ્યારે અતિથિ વિશેષ ગુજરાત રાજ્ય વેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર (GST) હિતેશ પંચાલે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ MBA, BBA અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે. તેમણે GST 2.0ના ટેક્સ રેટમાં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કરીને મોંઘવારીમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી હતી.
કોન્ફરન્સમાં MSME, ઉદ્યોગસાહસિકતા અને ગ્રામીણ અર્થતંત્ર પર GST સુધારાઓની અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે. આ માટે દેશભરમાંથી કુલ 170 સંશોધન પત્રો પ્રાપ્ત થયા છે. આ સંશોધન પત્રોનું સંકલન કરીને ત્રણ વોલ્યુમમાં પ્રકાશિત કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ISBN અને ISSN નંબર સાથે પીઅર-રિવ્યુડ જર્નલમાં પ્રકાશનનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ICMAIના પૂર્વ પ્રમુખ અને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CMA અશ્વિન દલવાડીએ માર્ગદર્શન આપ્યું હતું. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. આર. એન. દેસાઈ ઇન્સ્ટિટ્યૂશનલ પેટ્રન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. કોન્ફરન્સના ચેરપર્સન પ્રો. (ડૉ.) નિશીથ ભટ્ટ, કન્વીનર પ્રો. (ડૉ.) અશ્વિન મોદી અને કો-કન્વીનર પ્રો. (ડૉ.) ધર્મેન્દ્ર ઠાકર દ્વારા સમગ્ર આયોજનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ