
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.)પાટણના નવા સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં વસ્તી ગણતરી-2027ના બીજા તબક્કાની તૈયારીના ભાગરૂપે બે દિવસીય તાલીમ યોજાઈ હતી. નાયબ કલેક્ટર ફાલ્ગુન પંચાલની દેખરેખ હેઠળ યોજાયેલી તાલીમમાં જિલ્લાના તમામ મામલતદારો અને ચીફ ઓફિસરો જોડાયા હતા.
ગાંધીનગરની વસ્તી ગણતરી કચેરીનાં નાયબ નિયામક નીલિમા ચૌરસિયા ઓબ્ઝર્વર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. કચેરીના ટ્રેનર્સ લોકેન્દ્ર સિંહ અને શુભમ રાણાએ અધિકારીઓને બીજા તબક્કાની કામગીરી, પ્રક્રિયા અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતમાં 10થી 24 જાન્યુઆરી, 2027 દરમિયાન સ્વ-ગણતરીની કામગીરી હાથ ધરાશે. ત્યારબાદ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 સુધી ગણતરીદારો ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરી કરશે.
સ્વ-ગણતરીમાં વધુ લોકો જોડાય તે માટે લોકજાગૃતિ ફેલાવવા ચાર્જ ઓફિસરોને સૂચના અપાઈ હતી. સાથે જ ફિલ્ડ ટ્રેનર્સ અને ગણતરીદારોની આગામી તાલીમ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નાયબ કલેક્ટર ફાલ્ગુન પંચાલે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીના આંકડા દેશના વિકાસ અને નીતિ ઘડતરમાં મહત્ત્વપૂર્ણ છે. ગણતરી દરમિયાન એકત્રિત કરવામાં આવતી તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે. કામગીરી સમયમર્યાદામાં અને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા ભાર મૂકાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ