
વારાણસી, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન શનિવારે, પોતાના પ્રવાસ પર વારાણસી પહોંચ્યા. બાબતપુર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મેયર અશોક તિવારી, જનપ્રતિનિધિઓ, ભાજપના પદાધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એરપોર્ટથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમનો કાફલો શહેર માટે રવાના થયો. ઉપરાષ્ટ્રપતિ નમોઘાટ પર, કાશી તમિલ સંગમમના પાંચમા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
કાશી તમિલ સંગમમની પાંચમી આવૃત્તિ આગામી 12 ડિસેમ્બર સુધી યોજાશે. આ વખતે કાર્યક્રમની થીમ તમિલના મહાન પ્રાચીન ગ્રંથ 'તિરુક્કુરલ'ના ઉપદેશો પર આધારિત છે. આ આયોજન હેઠળ તમિલનાડુથી સાત જૂથોમાં કુલ 1,750 પ્રતિનિધિઓ વારાણસી પહોંચશે. તમિલનાડુથી 200 પ્રતિનિધિઓનું પહેલું જૂથ શુક્રવારે રાત્રે વિશેષ ટ્રેન દ્વારા વારાણસી પહોંચી ચૂક્યું છે. આગામી દિવસોમાં બાકીના પ્રતિનિધિઓનું પણ અલગ-અલગ જૂથોમાં પહોંચવાનું નિર્ધારિત છે.
આ વખતે સંગમમ દ્વારા, તિરુક્કુરલની શૈક્ષણિક બાબતો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. આ માટે તમિલનાડુથી હિન્દી જાણતા 50 શિક્ષકો ઉત્તર પ્રદેશ આવશે. આ શિક્ષકો વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યાના વિદ્યાર્થીઓને આ પ્રાચીન તમિલ ગ્રંથની શિક્ષાઓથી પરિચિત કરાવશે.
બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ)ના કલા સંકાયના ભારતીય ભાષા વિભાગના ડૉ. જગદીશન, આ કાર્યક્રમના સંચાલનમાં સહયોગ કરશે. આ ઉપરાંત દેશભરની આશરે એક હજાર શૈક્ષણિક સંસ્થાઓમાંથી એક-એક વિદ્યાર્થી પોતપોતાની ભાષામાં તિરુક્કુરલનો અભ્યાસ કરશે અને તેની શિક્ષાઓને પોતપોતાની સંસ્થાઓ સુધી પહોંચાડશે.
કાશી તમિલ સંગમમના આયોજનમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ) અને આઈઆઈટી-બીએચયુ મુખ્ય શૈક્ષણિક ભાગીદાર છે. તમિલનાડુથી આવતા સાત જૂથો માટે 29 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી બીએચયુ પરિસરમાં વિશેષ શૈક્ષણિક સત્રોનું આયોજન કરવામાં આવશે. દરેક જૂથમાં 250 સભ્યો સામેલ હશે. આ દરમિયાન પ્રતિનિધિઓ વિવિધ વિષયો પર સંવાદ, ચર્ચા અને જ્ઞાન આદાન-પ્રદાન કરવાની પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.
તમિલનાડુથી આવતા પ્રતિનિધિઓના ખાનપાન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનોને ઇડલી, સાંભર, નારિયેળની ચટણી, ઉપમા, રસમ, લેમન રાઈસ અને દહીં-ભાત જેવા પારંપરિક દક્ષિણ ભારતીય વ્યંજનો પીરસવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ વ્યંજનો તૈયાર કરવા માટે તમિલનાડુથી જ રસોઈયા, મસાલા અને અન્ય જરૂરી સામગ્રી મંગાવવામાં આવશે.
કાશી તમિલ સંગમમમાં સામેલ થનારા પ્રતિનિધિઓને, વારાણસીના પ્રમુખ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે. આ ઉપરાંત તેમને પ્રયાગરાજ અને અયોધ્યાના પ્રમુખ ધાર્મિક સ્થળો જોવાની તક પણ મળશે. દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બીએચયુના ભારત કલા ભવનમાં સીઆઈઆઈ બનારસ બિનાલે-2026 નું પણ ઉદ્ઘાટન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ