વડાપ્રધાન મોદી, રવિવારે ભૂપેન્દ્ર હજારીકા જન્મશતી સમારોહના સમાપન કાર્યક્રમમાં થશે સામેલ
નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રવિવારે નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારત રત્ન ડૉ. ભૂપેન્દ્ર હજારીકાની જન્મશતી સમારોહના સમાપન કાર્યક્રમમાં સામેલ થશે અને આ અવસરે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત પણ કરશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી શનિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રવિવારે નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારત રત્ન ડૉ. ભૂપેન્દ્ર હજારીકાની જન્મશતી સમારોહના સમાપન કાર્યક્રમમાં સામેલ થશે અને આ અવસરે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત પણ કરશે.

વડાપ્રધાન કાર્યાલય તરફથી શનિવારે જારી કરાયેલ વિજ્ઞપ્તિ (અખબારી યાદી) અનુસાર, વડાપ્રધાન 29 નવેમ્બરના રોજ સાંજે છ વાગ્યે ભારત મંડપમમાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે. ડૉ. ભૂપેન્દ્ર હજારીકાની 100મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલ વર્ષભરના સમારોહનું સમાપન આ કાર્યક્રમ સાથે થશે.

ડૉ. ભૂપેન્દ્ર હજારીકાનો જન્મ 8 સપ્ટેમ્બર 1926ના રોજ આસામના સાદિયામાં થયો હતો. તેમને સ્નેહપૂર્વક ‘સુધાકંઠ’ અને ‘બ્રહ્મપુત્રના કવિ’ના નામથી યાદ કરવામાં આવે છે. આસામ જ નહીં, દેશના સાંસ્કૃતિક ઇતિહાસમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે. તેઓ મહાન ગાયક, સંગીતકાર, ગીતકાર, ફિલ્મ નિર્માતા અને લેખક હતા. તેમણે પોતાની રચનાઓ દ્વારા સામાન્ય લોકોની આકાંક્ષાઓ, ભાવનાઓ અને જીવનના વિવિધ પાસાઓને વાચા આપી હતી.

આસામ અને ઉત્તર-પૂર્વની લોક પરંપરાઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા તેમના સંગીતે ભાષાકીય અને ભૌગોલિક સીમાઓને વટાવીને દેશ અને દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. તેમણે ઉત્તર-પૂર્વના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સંગીત અને કલાના ક્ષેત્રમાં યોગદાન ઉપરાંત ડૉ. હજારીકા એક માનવતાવાદી અને સામાજિક ચિંતક પણ હતા. તેમની રચનાઓમાં સમાનતા, માનવીય ગરિમા, સામાજિક સદ્ભાવ અને સાર્વત્રિક ભાઈચારાનો સંદેશ પ્રમુખતાથી જોવા મળે છે. તેમણે આસામની સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરવાની સાથેસાથે દેશના વિવિધતાપૂર્ણ સાંસ્કૃતિક વારસાને પણ સમૃદ્ધ કર્યો હતો.

ભારતીય સંગીત, સિનેમા અને સંસ્કૃતિમાં તેમના અસાધારણ યોગદાન માટે તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. આમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પણ સામેલ છે. વર્ષ 2019માં તેમને મરણોત્તર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડૉ. ભૂપેન હજારિકાની જન્મશતી મહોત્સવની શરૂઆત આઠ સપ્ટેમ્બર 2025ના રોજ થઈ હતી. આ આયોજનોના માધ્યમથી સંગીત, સાહિત્ય, સિનેમા અને સામાજિક જીવનમાં તેમના યોગદાનને યાદ કરવાની સાથે જ તેમના વિચારો અને માનવીય મૂલ્યોની પ્રાસંગિકતાને રેખાંકિત કરવામાં આવી. આ મહોત્સવોમાં તેમની રચનાત્મક પ્રતિભા, માનવતા, સામાજિક સદ્ભાવ અને ભાઈચારાના સંદેશને પણ અગ્રતાથી સામે લાવવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande