
નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). ઇંડી ગઠબંધને, કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીમાંકન વિધેયકનો વિરોધ કરતા, તેને લોકશાહી માટે મોટો ખતરો ગણાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું કે, સરકાર લોકસભા બેઠકોની સંખ્યા વધારીને સત્તા પર કાયમી કબજો જમાવવા માંગે છે. તેમણે આક્ષેપ કર્યો કે વિધેયકમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી.
સંસદના વિશેષ સત્ર અગાઉ શનિવારે ખડગેના નિવાસસ્થાને ઇંડી ગઠબંધનના ફ્લોર લીડર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, આઈયુએમએલના ઈ.ટી. મોહમ્મદ બશીર, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા અને સમાજવાદી પાર્ટીના રામજીલાલ સુમન સહિતના અન્ય નેતાઓ સામેલ થયા હતા. ડીએમકે અને એનસીપી (એસસીપી)નો કોઈ નેતા બેઠકમાં પહોંચ્યો નહોતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સીમાંકન વિધેયકને લઈને આજે સાંજે 05 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.
બેઠક બાદ ખડગેએ જણાવ્યું કે, ગઠબંધનના તમામ નેતાઓએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે, મોદી સરકારનું પ્રસ્તાવિત બંધારણીય સુધારા વિધેયક લોકશાહી માટે ગંભીર જોખમ છે. અગાઉ ભાજપે ચૂંટણીમાં 400 પારનો નારો આપ્યો હતો, જે પૂરો થયો નહોતો. હવે લોકસભા બેઠકોની સંખ્યા 850 સુધી વધારવાની વાત થઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે, સરકાર આના માધ્યમથી સત્તા પોતાના હાથમાં જાળવી રાખવા માંગે છે.
ખડગેએ કહ્યું કે, સીમાંકન વિધેયકમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. બંધારણના અનુચ્છેદ 330 હેઠળ લોકસભામાં આ વર્ગો માટે અનામત બેઠકોની વ્યવસ્થા છે. વસ્તી ગણતરીના આંકડાના આધારે આ વર્ગોની બેઠકોમાં વધારો થવો જોઈએ, પરંતુ પ્રસ્તાવિત વિધેયકમાં તેની કોઈ જોગવાઈ નથી.
તેમણે કહ્યું કે, 2026ની વસ્તી ગણતરીના આંકડાને લઈને પણ વિધેયકમાં કોઈ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી. જો નવીનતમ વસ્તી ગણતરીના આધારે સીમાંકન થાય, તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને તેમની વસ્તીના પ્રમાણમાં વધુ બેઠકો મળી શકે છે. ખડગેએ આક્ષેપ કર્યો કે, સરકાર આ વર્ગોને તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ આપવાને બદલે, પોતાના રાજકીય ફાયદાને પ્રાથમિકતા આપી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, કરોડો લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે અને હવે તે જ ચૂંટણી પંચને સીમાંકનની જવાબદારી સોંપવામાં આવી રહી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે તેઓ ખુદ સવાલોના ઘેરામાં છે ત્યારે તેમના નેતૃત્વમાં સીમાંકનની પ્રક્રિયા પર વિશ્વાસ કરી શકાય નહીં.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ