‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂતોને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા અને સંતુલિત ખાતરના ઉપયોગ અંગે તાલીમ અપાઈ
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત પાટણ તાલુકાના કમલીવાડા અને સરસ્વતી તાલુકાના અધાર ગામે ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. તાલીમનો
‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂતોને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા અને સંતુલિત ખાતરના ઉપયોગ અંગે તાલીમ અપાઈ


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત પાટણ તાલુકાના કમલીવાડા અને સરસ્વતી તાલુકાના અધાર ગામે ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ ખેતીની જમીનનું સ્વાસ્થ્ય જાળવવું, જમીનનું ધોવાણ અટકાવવું અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમારે ખેડૂતોને પાકની જરૂરિયાત, જમીનની ફળદ્રુપતા અને હવામાનને ધ્યાનમાં રાખીને ખાતરનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી ખાતર નાખવા તેમજ યુરિયા સહિતના પોષક તત્ત્વોનો સંતુલિત ઉપયોગ કરવા અપીલ કરી હતી. કેન્દ્રના વિષય નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતી, સંતુલિત ખાતરના ફાયદા અને જમીનનું સ્વાસ્થ્ય જાળવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે પણ સમજ આપી હતી.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંતુલિત ખાતરના ઉપયોગથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા સુધરે છે, પોષક તત્ત્વોનો બગાડ અટકે છે અને જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જમીનનું સ્વાસ્થ્ય સુધારવાથી પર્યાવરણનું રક્ષણ થવાની સાથે ખેતી ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે. કાર્યક્રમના અંતે ખેડૂતોના ખેતી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને વૈજ્ઞાનિક તથા ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande